
રોહિત શર્માની નિવૃત્તિની અફવા પર લાગ્યું પૂર્ણ વિરામ, હું નથી લઈ રહ્યો: રોહિત શર્મા
મુંબઈઃ રોહિત શર્માની કેપ્ટનશીપમાં ટીમ ઈન્ડિયાએ ગઈકાલે ન્યુઝીલેન્ડ સામે ચેમ્પિયન્સ ટ્રોફી જીતીને તેના ફેન્સને ખુશ કરી દીધા છે. ત્યારે આ ચેમ્પિયન્સ ટ્રોફી પૂરી થતાંની સાથે જ એક અટકળ એવી શરૂ થઈ છે કે હવે કેપ્ટન શર્મા ODI ફોર્મેટ માંથી નિવૃતિ લઈ શકે છે. ત્યારે આ અંગે રોહિતે સ્પષ્ટતા કરી છે.
રોહિત શર્માએ પોતાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયા માટે વધુ એક ખિતાબ જીતીને તેના ભારતીયોને ખુશ કરી દીધા છે. રોહિતની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફી 2025નો ખિતાબ પણ જીત્યો. દુબઈમાં રમાયેલી ફાઈનલમાં ટીમ ઈન્ડિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને ટાઇટલ જીત્યું. દરેક વ્યક્તિ આ જીતની અપેક્ષા રાખી રહી હતી પરંતુ તે જ સમયે એવો ડર પણ હતો કે કેપ્ટન રોહિત શર્મા આ મેચ પછી નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. પરંતુ ટ્રોફી જીતીને રોહિતે આ બધી અટકળો અને અફવાઓનો અંત લાવી દીધો છે. રોહિતે સ્પષ્ટ કર્યું કે તે હાલ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી.
આ ફાઇનલ પહેલા સતત અટકળો અને ઘણી અફવાઓ ચાલી રહી હતી કે ટીમ ઈન્ડિયા જીતે કે હારે રોહિત શર્મા આ ફાઈનલ પછી નિવૃત્તિની જાહેરાત કરશે. નહીંતર આ રોહિતની છેલ્લી વનડે મેચ હશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતાની સાથે જ બધા રાહ જોઈ રહ્યા હતા કે રોહિત નિવૃત્તિની જાહેરાત કરશે કે નહીં. પ્રેઝન્ટેશન દરમિયાન રોહિતે આ વિશે કંઈ કહ્યું નહીં. બધાની નજર પ્રેસ કોન્ફરન્સ પર હતી અને અહીં ભારતીય કેપ્ટને બધાને ખૂબ જ સ્પષ્ટ સંદેશ આપ્યો કે તે હાલ કોઈ નિવૃતિ અંગે વિચાર કરી રહયો નથી.
ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બન્યા પછી રોહિતે પ્રેસ કોન્ફરન્સમાં ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા અને પછી જ્યારે તે જવા માટે ઉભો થયો ત્યારે કેપ્ટને પાછળ ફરીને કહ્યું “અને હા, એક છેલ્લી વાત… હું આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી. હું આ સ્પષ્ટ કરી રહ્યો છું જેથી વધુ અફવાઓ ન ફેલાય.” રોહિતના આ એક નિવેદનથી ટીમ ઈન્ડિયા અને ખાસ કરીને રોહિતના ચાહકો ખુશ થયા છે.
રોહિતે પહેલા પણ ઘણી વખત પોતાના ઇરાદા સ્પષ્ટ કર્યા હતા કે તે 2027નો ODI વર્લ્ડ કપ પણ રમવા માંગે છે. રોહિતે કહ્યું હતું કે તે આ ખિતાબ જીતવા માંગે છે. રોહિત જે પહેલાથી જ T20 વર્લ્ડ કપ અને ચેમ્પિયન્સ ટ્રોફી જીતી ચૂક્યો છે તે એકમાત્ર એવો ખેલાડી છે જેણે હજુ સુધી આ અને સૌથી મોટો ખિતાબ જીત્યો નથી. રોહિતની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાએ 2023ના વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આવી સ્થિતિમાં રોહિતે તેના ચાહકોને આશા આપી છે કે કદાચ તે 2027નાં વર્લ્ડ કપમાં આ સ્વપ્ન પૂર્ણ કરશે.
(Photo- BCCI)