*વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ–2026 માટે દિલ્હી જઈ રહેલા યુવાઓને શુભકામનાઓ પાઠવતા રાજ્યપાલ
ગાંધીનગર, 7 જાન્યુઆરી 2026: Role of youth power crucial to achieve the goal of ‘Developed India @2047’: Governor રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે ગુજરાત લોક ભવન ખાતે ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ–2026’ માટે ગુજરાત તથા મહારાષ્ટ્રમાંથી પસંદ થયેલા યુવાનો સાથે સંવાદ કર્યો હતો. આ અવસરે તેમણે જણાવ્યું કે, ભારતનું ભવિષ્ય તેની યુવાશક્તિમાં સમાયેલું છે અને વિકસિત ભારત @2047ના લક્ષ્યને સિદ્ધ કરવા યુવાનોની ભૂમિકા નિર્ણાયક બનશે.
રાજ્યપાલએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દુરદર્શી નેતૃત્વ હેઠળ શરૂ થયેલી આ અનોખી પહેલ દ્વારા દેશભરમાંથી પસંદ થયેલા અંદાજે ૩,૦૦૦ યુવાનોને રાષ્ટ્રીય મંચ પર પોતાના વિચાર, નવીનતા અને દૃષ્ટિકોણ રજૂ કરવાની તક મળશે. આ કાર્યક્રમ માત્ર સંવાદ નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણની પ્રયોગશાળા છે.
યુવાનોને સંબોધતાં રાજ્યપાલએ જણાવ્યું કે, ભારતનો વિકાસ માત્ર આર્થિક પ્રગતિ સુધી સીમિત નથી, પરંતુ સંસ્કૃતિ, સંસ્કાર, નૈતિક મૂલ્યો અને માનવતા સાથે જોડાયેલો હોવો જોઈએ. તેમણે ‘વસુધૈવ કુટુંબકમ્’ અને ‘સર્વે ભવન્તુ સુખિનઃ’ જેવા ભારતીય વિચારધારાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે આ જ ભારતની આત્મા છે, જે વિશ્વને શાંતિ, પ્રેમ અને સહઅસ્તિત્વનો માર્ગ બતાવે છે.
સંવાદ દરમિયાન રાજ્યપાલએ યુવાનોને આહ્વાન કર્યું કે, તેઓ નવોચ્ચાર, સ્ટાર્ટઅપ, ટેક્નોલોજી, આરોગ્ય, કૃષિ અને સામાજિક ક્ષેત્રોમાં પોતાની પ્રતિભાનો રાષ્ટ્રહિતમાં ઉપયોગ કરે અને ટૂંકા રસ્તા કરતાં પરિશ્રમ, ઈમાનદારી અને નૈતિકતાને જીવનનું ધ્યેય બનાવે.
પ્રાકૃતિક ખેતી વિષયક વિચાર રજૂ કરતાં રાજ્યપાલએ જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી માત્ર ખેતીની પદ્ધતિ નથી, પરંતુ પર્યાવરણ સંરક્ષણ, માનવ આરોગ્ય અને આવનારી પેઢીઓના કલ્યાણનું અભિયાન છે. તેમણે યુવાનોને આ વિચારને જનઆંદોલન બનાવવાની અપીલ કરી હતી.
રાજ્યપાલએ યુવાનોને સંદેશ આપ્યો કે, તેઓ યોગ, આરોગ્યપ્રદ જીવનશૈલી અને સંતુલિત આહારને મહત્વ આપે તથા નિષ્ફળતાથી હતાશ થયા વિના સતત પ્રયત્ન કરતા રહે. તેમણે ઉમેર્યું કે, પરિશ્રમ કરનાર ક્યારેય હારતો નથી અને સચ્ચાઈપૂર્વક કરાયેલ કાર્ય કદી વ્યર્થ જતું નથી.
કાર્યક્રમના અંતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પસંદ થયેલા તમામ યુવાનોને નવી દિલ્હીમાં યોજાનાર ‘વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ–2026’ માટે શુભકામનાઓ પાઠવી અને કહ્યું કે તેઓ ત્યાં ગુજરાત તથા મહારાષ્ટ્રની વૈચારિક, સાંસ્કૃતિક અને વિકાસાત્મક ચેતનાનું પ્રતિનિધિત્વ કરશે.
ગુજરાત લોક ભવન ખાતે યોજાયેલા આ સંવાદમાં લોક ભવનના અગ્ર સચિવ અશોક શર્મા, સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ ગુજરાતમાંથી પસંદ થયેલા યુવાનો ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે મહારાષ્ટ્ર લોક ભવનના સચિવ ડૉ. પ્રશાંત નરનાવરે, સંબંધિત વિભાગના અધિકારીઓ તેમજ મહારાષ્ટ્રમાંથી પસંદ થયેલા યુવાનો મહારાષ્ટ્ર લોક ભવન ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા.


