- હનુમાનગઢ ગામના બગીચામાં આંબાઓ પર કેસર કેરીઓ લટકી રહી છે
- પ્રથમ 10 કિલો કેસર કેરીનું બોક્સ હરાજી માટે યાર્ડમાં લવાયું
- 10 કિલો કેસર કેરીના બોક્સના 12510 રૂપિયા ભાવે હરાજી થઈ
પોરબંદરઃ ફળોમાં રાજા ગણાતી કેસર કેરી એ ગ્રીષ્મઋતુનું ફળ છે. એટલે ઉનાળાની સીઝનમાં કેસર કેરીનું આગમન થતું હોય છે. પણ પોરબંદર પંથકમાં હનુમાનગઢના બગીચામાં ભરશિયાળે આંબાઓ પર કેસર કેરીઓ લટકતી જોવા મળી રહી છે. હનુમાનગઢ ગામના ખેડૂતના બગીચામાંથી આવેલી આ કેસર કેરીનું એક બોક્સ (આશરે 10 કિલો) સુદામા ફ્રુટ કંપની ખાતે માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યું હતું. અને 10 કિલો કેસર કેરીના બોક્સના 12510 રૂપિયા ભાવમાં હરાજી થઈ છે.
ફળોના રાજા કહેવાતી કેસર કેરી સામાન્ય રીતે ઉનાળાની ઋતુમાં બજારમાં આવે છે, પરંતુ આ વર્ષે ભરશિયાળે જ પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયું છે. આ ઘટના ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં કદાચ પ્રથમ વખતની છે. પોરબંદર જિલ્લાના હનુમાનગઢ ગામના ખેડૂતના બગીચામાંથી આવેલી આ કેસર કેરીનું એક બોક્સ (આશરે 10 કિલો) સુદામા ફ્રુટ કંપની ખાતે માર્કેટિંગ યાર્ડમાં પહોંચ્યું હતું. સામાન્ય રીતે કેરીની સીઝન માર્ચ-એપ્રિલથી શરૂ થાય છે, પરંતુ આ વર્ષે ગ્લોબલ વોર્મિંગ અને ઋતુચક્રમાં થયેલા ફેરફારને કારણે આંબા પર પાંચ મહિના વહેલા કેરી આવી ગઈ છે. યાર્ડમાં હરાજી દરમિયાન એક બોક્સ કેસર કેરીની હરાજી રૂ. 12,510ના ઉંચા ભાવે થઈ. એટલે કે પ્રતિ કિલો કેરીનો ભાવ રૂ. 1,251 રહ્યો, જે ઐતિહાસિક છે. હરાજીમાં ભાગ લેનારા વેપારીઓએ આનંદ વ્યક્ત કરતાં પેંડા વહેંચીને મોઢું મીઠું કરાવ્યું હતું. કેરીની સીઝન કરતા આ વર્ષે 5 મહિના વહેલી આવક થઈ છે. દર વર્ષે માર્ચ મહીના પછી યાર્ડમાં કેરીનું આગમન થતુ હોય છે. 10 કિલો કેસર કેરીના બોક્સના 12510 રૂપિયા ભાવમાં હરાજી થઈ છે.


