Homeગુજરાતીગુજરાતઅમદાવાદમાં સેમસંગના નકલી મોબાઈલ વેચવાનું કૌભાંડ, 1034 ફોન જપ્ત કરાયા

અમદાવાદમાં સેમસંગના નકલી મોબાઈલ વેચવાનું કૌભાંડ, 1034 ફોન જપ્ત કરાયા

અમદાવાદ, 16 ઓક્ટોબર, 2026 :  Scam of selling fake Samsung mobiles શહેરમાં ગીતામંદિર એસટી બસ સ્ટેશનમાં આવેલી માર્કેટમાં મોબાઈલની શોપ પર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-6 પોલીસે રેડ પાડતા જાણીતી કંપનીઓના લોગાવાળા  નકલી મોબાઈલ મળી આવ્યા હતા. મોબાઈલફોનના શોપ સંચાલકોની પૂછપરછમાં તેઓ કાલુપુર રિલીફ રોડ પર આવેલા રાજ કોમ્પ્લેક્સ અને મેટ્રો પ્લાઝાના હોલસેલ વેપારીઓ પાસેથી બિલ વગર આ નકલી જથ્થો લાવ્યા હોવાનું કહેતા પોલીસે બિલ વગરના શંકાસ્પદ સેમસંગ, નોકિયા અને જીયો કંપનીના 1,034 મોબાઈલ ફોન, લેપટોપ અને એસેસરીઝનો જથ્થો જપ્ત કર્યો હતો. અને સેમસંગ કંપનીના ઓથોરાઈઝ વ્યક્તિને બોલાવીને ચકાસણી કરાવતા મોબાઈલ ફોન સેમસંગના નહીં પણ નકલી હોવાનો રિપોર્ટ આપતા પોલીસે ગીતામંદિર માર્કેટના રિટેલરો અને કાલુપુર રિલીફ રોડના હોલસેલર્સ સહિત 14 વેપારીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના ગીતામંદિર મોબાઈલ માર્કેટમાં ગ્રાહકો સાથે છેતરપિંડી આચરી ડુપ્લિકેટ મોબાઈલ પધરાવાતા હોવાની બાતમીના આધારે લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-6 પોલીસે રેડ પાડી હતી. અને જાણીતી કંપનીના નામે મોબાઈલ ફોન વેચાતા હોવાની હકિકત મળતા જ પોલીસે ગુરુગ્રામની ‘રિએક્ટ ઇન્ડિયા પ્રા. લી.’ અને દિલ્હીની ‘અસ્વથ લીગલ’ વતી સેમસંગ કંપનીના સિનિયર એસોસિએટ સૌરભકુમાર પાંડેયને બોલાવી ચકાસણી કરાવતાં તમામ ફોન નકલી હોવાનું અને કંપનીની મંજૂરી વગર ટ્રેડમાર્ક-લોગોનો દુરુપયોગ થતો હોવાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ગીતામંદિરની ‘ભોલેનાથ મોબાઈલ’ અને ‘મહાવીર મોબાઈલ’ સહિતના ગોડાઉનમાંથી રૂ. 6.61 લાખની કિંમતના 1,034 મોબાઈલ તથા લેપટોપ, ચાર્જર, બેટરી સહિત રૂ. 7.07 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસે મોબાઈલ ફોનના સંચાલકોની આકરી પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેઓ કાલુપુર રિલીફ રોડ પર આવેલા રાજ કોમ્પ્લેક્સ અને મેટ્રો પ્લાઝાના હોલસેલ વેપારીઓ પાસેથી બિલ વગર આ નકલી જથ્થો લાવ્યા હતા. કાગડાપીઠ પોલીસે ગીતામંદિર માર્કેટના રમેશભાઈ સોલંકી, જીતેન્દ્ર પ્રજાપતિ, રવીન્દ્રકુમાર છીપા, રૂપારામ ચૌધરી, દિનેશકુમાર ઘાંચી અને મહેન્દ્રભાઈ મોદી તેમજ કાલુપુર રિલીફ રોડના સપ્લાયર્સ અશોકભાઈ, ભઈલુભાઈ, વિવેકભાઈ, ગોપીભાઈ, કુલદીપભાઈ, રાજુભાઈ, પ્રવીણભાઈ અને દર્શનભાઈ સામે ટ્રેડમાર્ક્સ એક્ટ અને છેતરપિંડીની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular