
- કલેકટર સાથેની બેઠક બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાઓને આપી સુચના
- શાળાના આચાર્ય સવારના સમય માટે નિર્ણય લઈ શકશે
- જિલ્લાના તાપમાનમાં થતો વધારો
સુરત: ઉનાળાના પ્રારંભે ગરમીમાં વધારો થયા બાદ થોડા દિવસ આંશિક રાહત મળ્યા બાદ હવે ફરી તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે. ત્યારે જિલ્લા કલેકટર સાથે યોજાયેલી બેઠક બાદ જિલ્લા શિક્ષણાધિકારીએ શાળાના આચાર્યોને સૂચના આપી છે.રાજ્યમાં વધતા તાપમાન અને લૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને શાળાઓ પોતાની રીતે શાળાના સમયમાં ફેરફાર કરી શકશે તેવી સૂચના આપવામાં આવી છે.
ગુજરાતમાં આ વખતનો ઉનાળો વધુ આકરો બને તેવી શક્યતા છે, હાલ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જો કે રાજ્યના અન્ય શહેરોની તુલનાએ દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો નીચો રહેતો હોય છે. પણ આ વખતે ઉનાળાના પ્રારંભે ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો. અને હવામાન વિભાગે પણ તાપમાનમાં વધારો થવાની આગાહી કરી છે. ત્યારે સુરત શહેર અને જિલ્લામાં શાળાઓના સમયમાં શાળાના આચાર્ય પોતાની રીતે ફેરફાર કરી શકશે. શાળાના આચાર્યોને વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શાળાઓના સમયપત્રકમાં ફેરફાર કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.
સુરત જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ડિસ્ટ્રિક્ટ હિટ એકશન ટાસ્ક ફોર્સની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં હીવવેવની પૂર્વ તૈયારી અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં સ્કૂલના બાળકોને ગરમીથી બચાવવા અંગે ચર્ચા કરાયા બાદ આ નિર્ણય લેવાયો હતો. આ ઉપરાંત ગરમીથી બચવા શું કરી શકાય તે અંગે માર્ગદર્શન આપવા માટે પણ શાળાઓને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત શાળાના આચાર્ય શાળા સવારે વહેલી શરૂ કરી શકે છે અથવા તો બપોરની શિફ્ટનો સમય પણ બદલી શકે છે. તે અંગેનો નિર્ણય શાળાના આચાર્યો પર છોડવામાં આવ્યો છે.