- સાયબર માફિયાએ સિનિયર સિટિઝન મહિલાને ધમકી આપી
- આધારકાર્ડ પરથી સિમકાર્ડ ખરીદાયું, જેમાં 39 કેસ નોંધાયેલા હોવાનું મહિલાને કહ્યું,
- સાયબર માફિયાઓએ દરેક ટ્રાન્સફરની રસીદ મોકલી વિશ્વાસ કેળવ્યો
વડોદરાઃ રાજ્યમાં ભણેલા-ગણેલા લોકો સાબર માફિયાની જાળમાં ફસાતા હોય છે. સાયબર માફિયા ખાસ કરીને સિનિયર સિટિઝનને ટાર્ગેટ બનાવતા હોય છે. ત્યારે વડોદરા શહેરમાં એક સિનિયર સિટિઝન મહિલાને પોલીસ હોવાની ઓળખ આપીને પખવાડિયા સુધી ડિજિટલ એરેસ્ટ રાખીને સાયબર માફિયાઓએ રૂપિયા 1 કરોડ 82 લાખ 66 હજાર પડાવી લીધા હતા. આ મામલે પીડિત સિનિયર સિટીઝન મહિલાએ વડોદરા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
આ બનાવની વિગત એવી છે કે, વડોદરા શહેરમાં રહેતા એક 65 વર્ષીય સિનિયર સિટીઝન મહિલાને ગત 4 ડિસેમ્બરના રોજ સવારે આશરે 11 વાગ્યે ફોન આવ્યો હતો. જેમાં કોલ કરનારા વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેમના આધાર કાર્ડના આધારે સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું છે અને તેના પર 39 કેસ નોંધાયેલા છે. ત્યારબાદ તેમને મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનના નામે પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ રાવ સાથે વાત કરાવવામાં આવી હતી. સાયબર માફિયાઓએ વોટ્સએપ પર વીડિયો કોલ કરીને પોલીસ યુનિફોર્મ પહેરેલા વ્યક્તિ તરીકે પોતાની ઓળખ આપી હતી અને પાછળ પોલીસ ઓફિસના લોગો દેખાડ્યા હતા. તેમણે મહિલાનું આધાર કાર્ડ માંગ્યું હતું અને નકલી આઈડી કાર્ડ તેમજ સુપ્રીમ કોર્ટની નોટિસના દસ્તાવેજો મોકલીને ડરાવ્યા હતા. મહિલાને તેમના ઘરમાં જ એરેસ્ટ કરવામાં આવી હોવાનું જણાવી લેખિત હુકમનામું વોટ્સએપ પર મંગાવ્યું હતું અને રોજ સવારે મેસેજ કરવાનો આદેશ આપ્યો હતો.
દરમિયાન 8 ડિસેમ્બરે સાબર માફિયાએ મહિલાને જણાવ્યું હતું કે, તેમના નામે લેવાયેલું સિમકાર્ડ આતંકવાદી ઓ.એમ. સાલમના કેસમાં વપરાયું છે અને તેના દ્વારા રૂ. 243 કરોડનું મની લોન્ડરિંગ થયું છે. તેમણે નકલી બેંક સ્ટેટમેન્ટ મોકલીને પીડિતાને તેમના મ્યુચ્યુઅલ ફંડ, એફડી અને અન્ય રોકાણોની માહિતી મંગાવી હતી. આરબીઆઈના ખાતામાં પૈસા જમા કરાવીને કેસમાંથી છૂટકારો મળશે અને પૈસા પરત મળી જશે તેવું કહીને પીડિતાને ધમકાવી હતી. ત્યારબાદ તા.11થી 16 ડિસેમ્બર દરમિયાન અલગ-અલગ તારીખે પીડિતાના વિવિધ બેંક ખાતાઓમાંથી કુલ રૂ. 1 કરોડ 82 લાખ 66 હજારની રકમ તેમના ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી હતી. ઠગોએ દરેક ટ્રાન્સફરની રસીદ પીડિતાને વોટ્સએપ પર મોકલી વિશ્વાસ કેળવ્યો હતો. 18 ડિસેમ્બરે એફડી તોડાવવા માટે દબાણ કરતાં પીડિતાને શંકા ગઈ અને તેમણે પરિવારજનોને જણાવતાં છેતરપિંડીની વાત સામે આવી હતી, ત્યારબાદ સિનિયર સિટીઝન મહિલાએ તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.


