1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શ્રમિક અન્નપૂર્ણા યોજનાઃ રાજ્યમાં નવા 100 ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે
શ્રમિક અન્નપૂર્ણા યોજનાઃ રાજ્યમાં નવા 100 ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે

શ્રમિક અન્નપૂર્ણા યોજનાઃ રાજ્યમાં નવા 100 ભોજન વિતરણ કેન્દ્રો શરુ કરાશે

0
Social Share

રાજ્યના શ્રમિક પરિવારોની ક્ષુધા સંતોષવા માટે ગુજરાત સરકારે ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ શરુ કરીને એક નવી કેડી કંડારી છે. રાજ્યના મકાન અને અન્ય બાંધકામ શ્રમિકોને પૌષ્ટિક, સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે, ઉપરાંત તેમનું આર્થિક ભારણ પણ ઘટે તે માટે આ યોજના હેઠળ રાજ્ય સરકાર દ્વારા માત્ર રૂ. 5/-ના રાહત દરે તેમને ભરપેટ ભોજન આપવામાં આવે છે. રાજ્યમાં અત્યારે 19 જિલ્લાના કુલ 290 કડિયાનાકાઓ ખાતે આ ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે.

શ્રમ અને રોજગાર મંત્રી બલવંત રાજપૂતે આ સંદર્ભે જણાવ્યું હતું કે, ગુજરાતના દરેક શ્રમયોગીને રાહત દરે પૌષ્ટિક ભોજન પૂરું પાડવું એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની સરકારનો મુખ્ય ધ્યેય છે. માત્ર એપ્રિલ-2024 થી અત્યાર સુધીમાં જ હજારો શ્રમિક પરિવારોને રૂ. 5/-માં કુલ 75.70 લાખથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે. રાજ્યના વધુમાં વધુ બાંધકામ શ્રમિકો સુધી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ પહોંચાડવા માટે આગામી સમયમાં નવા 100 કડીયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્રો શરૂ કરવાનું રાજ્ય સરકારનું આયોજન છે. શ્રમિક પરિવારોને માત્ર રૂ. 5/-ના નજીવા દરે ભોજન પૂરું પાડવા માટે પ્રતિ ભોજન રાજ્ય સરકાર તરફથી રૂ. 37/- સબસીડી ચૂકવવામાં આવે છે.

– યોજનાની જરૂરિયાત કેમ?
ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજગારીની શોધમાં અનેક શ્રમજીવી પરિવારો શહેરોમાં આવીને વસવાટ કરે છે. બાંધકામ સ્થળો ખાતે રોજગારી મેળવવા તેઓ રોજ સવારે કડીયાનાકા પર એકત્રિત થાય છે, જેથી તેમણે વહેલી સવારે રસોઈ કરવી પડે છે. કેટલાક તો સવારે માત્ર નાસ્તો કરીને જ આખો દિવસ કામ કરતા હોય છે, પરિણામે આ પરિવારો પોષણયુક્ત આહારથી વંચિત રહે છે. સવારે કડીયાનાકા પરથી જ શ્રમયોગીઓને રાહત દરે પૌષ્ટિક અને સાત્વિક આહાર આપવામાં આવે તો તેઓ તંદુરસ્ત રહીને વધુ કામ કરી શકે છે. આવા શુભ આશય સાથે જ ગુજરાતમાં વર્ષ ૨૦૧૭માં ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ શરુ કરવામાં આવી હતી.

– શ્રમિક પરિવારોમાં દૈનિક 32 હજાર ભોજનનું વિતરણ
શ્રમિક અન્નપૂર્ણા યોજના શરુ થઇ ત્યારથી લઇ વર્ષ 220 સુધીમાં કુલ 1.15 કરોડથી વધુ પ્લેટ ભોજન વિતરણ કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના મહામારીના કારણે આ યોજનાને સ્થગિત કરવામાં આવી હતી. રાજ્યના શ્રમયોગીઓના હિતાર્થે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે વર્ષ 2022માં આ યોજના ફરી એકવાર કાર્યરત કરવામાં આવી હતી. હાલમાં રાજ્યના વિવિધ કડીયાનાકાઓ ખાતેથી શ્રમિક પરિવારોને રોજના સરેરાશ 32 હજારથી વધુ ભોજનનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ યોજના શરુ થઇ ત્યારથી આજ સુધીમાં રૂ. 150 કરોડથી વધુના ખર્ચે કુલ 2.93 કરોડથી વધુ ભોજનનું વિતરણ કરાયું છે.

– કયા જિલ્લામાં કેટલા ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત?
રાજ્યમાં હાલ અમદાવાદ જિલ્લામાં 98, ગાંધીનગર જિલ્લામાં 12, વડોદરા જિલ્લામાં 21, સુરત જિલ્લામાં 40, રાજકોટ જિલ્લામાં 14, વલસાડ જિલ્લામાં 10, મહેસાણા જિલ્લામાં 13, નવસારી જિલ્લામાં 9, પાટણ જિલ્લામાં 15, ભાવનગર જિલ્લામાં 6, આણંદ જિલ્લામાં 6, બનાસકાંઠા જિલ્લામાં 8, ભરૂચ જિલ્લામાં 7, દાહોદ જિલ્લામાં 5, જામનગર જિલ્લામાં 11, ખેડા જિલ્લામાં 4, મોરબી જિલ્લામાં 6, પંચમહાલ જિલ્લામાં 1 અને સાબરકાંઠા જિલ્લામાં 4 ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે.

રાજ્યના 19 જિલ્લામાં કુલ 290 કડીયાનાકાઓ ખાતે ભોજન વિતરણ કેન્દ્રો કાર્યરત છે. આ ઉપરાંત જે બાંધકામ સ્થળ ખાતે ૫૦થી વધુ શ્રમિકો હોય તેવી બાંધકામ સાઈટ પર જઈને સ્થળ ઉપર પણ ભોજન વિતરણ કરવામાં આવે છે.

– ભોજન અને તેનું પ્રમાણ
શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત માત્ર રૂ. 5/-માં શ્રમિક પરિવારને રોટલી, શાક, કઠોળ, ભાત, અથાણું, મરચા અને ગોળ સહિતનું સ્વાદિષ્ટ પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. વધુમાં, સપ્તાહમાં એક વાર સુખડી કે શીરા જેવા મિષ્ઠાનનો પણ સમાવેશ કરવામાં આવે છે. એક ભોજનમાં શ્રમિકના જરૂરિયાત મુજબ અંદાજે 625 ગ્રામ અને 1,525 કેલેરી જેટલું ભોજન પીરસવામાં આવે છે, જેથી તેઓ તંદુરસ્ત રહી શકે.

– ઈ-નિર્માણ કાર્ડથી શ્રમિકો મેળવે છે ભોજન
શ્રમિક અન્નપૂર્ણાના તમામ કેન્દ્રો ઉપર ઈ-નિર્માણ કાર્ડની મદદથી શ્રમિકો ભોજન મેળવે છે. કાર્ડનો ક્યુઆર (QR) કોડ સ્કેન કરાવીને ટિફિનમાં કે સ્થળ પર જ એક સમયનું ભોજન શ્રમિકો મેળવી શકે છે. જે લાભાર્થીઓ પાસે ઈ-નિર્માણ કાર્ડ ન હોય તેમના માટે બૂથ પર જ બાંધકામ શ્રમિકોની હંગામી ધોરણે નોંધણી થાય છે અને 15 દિવસ સુધી તેઓ ભોજન મેળવી શકે છે.

ગુજરાત અત્યારે દરેક ક્ષેત્રે પૂરવેગ સાથે અગ્રીમ હરોળ તરફ આગળ વધી રહેલું રાજ્ય છે. રાજ્યના શ્રમયોગી પરિવારોના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક ઉત્કર્ષ માટે ‘શ્રમેવ જયતે’ના મંત્ર સાથે રાજ્ય સરકારે વિશેષ આયોજન કર્યું છે. શ્રમિકો માટેની મહત્વકાંક્ષી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’થી આજે રાજ્યના અનેક શ્રમિક પરિવારોને ખાસ કરીને મહિલા શ્રમિકોને ઘણી રાહત મળી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code