1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. SIR : 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે, 17 જિલ્લાઓમાં 100% કામગીરી
SIR : 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે, 17 જિલ્લાઓમાં 100% કામગીરી

SIR : 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે, 17 જિલ્લાઓમાં 100% કામગીરી

0
Social Share
  • 133 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100% કામગીરી સંપન્ન
  • ગેરહાજર-સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી CEO તથા જિલ્લાસ્તરે વેબસાઈટ પર મુકાઈ

ગાંધીનગરઃ ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ગત તા. 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) ઝુંબેશનો ગણતરીનો તબક્કો તા.11 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઈ રહ્યો છે. પરંતુ તે પહેલા જ BLO સ્તરથી લઈને CEO કચેરી સુધીના સમગ્ર ચૂંટણી સ્ટાફની મહેનત રંગ લાવી છે, જેના પરિણામે ગણતરીના તબક્કાની 99.97 % કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તથા રાજ્યના તમામ 5.08 કરોડ મતદારોની ચકાસણી પૂર્ણતાના આરે છે.

SIRની જાહેરાત બાદથી જ રાજ્યભરમાં 5.08 કરોડ મતદારોને ગણતરી ફોર્મના વિતરણથી માંડી તેના ડિજીટાઈઝેશનની કામગીરી મિશન મોડ પર કરવામાં આવી રહી છે જે હવે પૂર્ણતના આરે છે. ગણતરીના તબક્કામાં રાજ્યના 17 જિલ્લાઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દર્શાવી 100 ટકા કામગીરી પૂર્ણ કરી છે.  100 % કામગીરીનો સિમાચિહ્ન હાંસલ કરનારા જિલ્લાઓમાં અરવલ્લી, વલસાડ, મહીસાગર, પાટણ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા, આણંદ, ગીર સોમનાથ, દાહોદ, રાજકોટ, તાપી, ડાંગ, પોરબંદર, જૂનાગઢ, મોરબી અને ખેડાનો સમાવેશ થાય છે.

રાજ્યની કુલ 133 વિધાનસભા મતવિસ્તારમાં ચકાસણીની 100 ટકા કામગીરી સંપન્ન થઈ ચૂકી છે. વિવિધ કારણોથી પાછા ન મળેલા ફોર્મની ખરાઈ માટે બેઠકોની શૃંખલા યોજવામાં આવી રહી છે. તા. 7, 8 અને 9 ડિસેમ્બર એમ ત્રણ દિવસ દરમિયાન બૂથ લેવલ ઓફિસર અને માન્ય રાજકીય પક્ષોના બૂથ લેવલ એજન્ટો વચ્ચે બેઠકોનું આયોજન થયું છે. આ બેઠકોના નિષ્કર્ષ રૂપે જે-તે વિધાનસભા મતવિસ્તારમાં ભાગ પ્રમાણે જે મતદારોના ફોર્મ પાછા નથી આવ્યા તેમની યાદી જિલ્લા ચૂંટણી અધિકારીઓની વેબસાઈટ પર પ્રકાશિત કરવામાં આવી રહી છે. તથા મુખ્ય નિર્વાચન અધિકારી (CEO) ની વેબસાઈટ https://erms.gujarat.gov.in/ceo-gujarat/master/BLA-BLO-Meeting.aspx પર પ્રકાશિત કરવામાં આવી છે. જિલ્લાવાર મુકવામાં આવેલી વિગતોમાંથી મતદારો પોતે પણ ચકાસણી કરી શકે તેવી સરળ વ્યવસ્થા સુનિશ્ચિત કરાઈ છે.

અત્યારસુધીની કામગીરી દરમિયાન રાજ્યના તમામ 33 જિલ્લાઓમાં કુલ 4.21 લાખથી વધુ સિનિયર સિટિઝન (85 વર્ષથી વધુ વયના) ધ્યાને આવ્યા છે. જેમની ખરાઈ ચાલી રહી છે. સાથોસાથ જે મતદારોના નામ બે કે તેથી વધુ જગ્યાઓ પર હોય તેમની વિગતો અદ્યતન સોફ્ટવેરની મદદથી મેળવવામાં આવી છે. જેમાં 11.58 લાખથી વધુ DSE (ડેમોગ્રાફિકલી સિમિલર એન્ટ્રી) ધ્યાને આવી છે. જેની ચકાસણી BLO તથા ERO  સ્તરે ચાલી રહી છે. આ ઉપરાંત 18 લાખથી વધુ અવસાન પામેલ મતદારો મતદારયાદીમાં સામેલ હતા. જ્યારે 10.37 લાખથી વધુ મતદારો તેમના સરનામે ગેરહાજર જોવા મળ્યા, સાથોસાથ 40.47 લાખથી વધુ મતદારો કાયમી સ્થળાંતરિત થઈ ચૂક્યા હોવાનું ધ્યાને આવ્યું છે.

આમ, આ મતદાર યાદીની શુદ્ધતા અને સર્વસમાવેશીતાના ધ્યેય સાથે અમલમાં મુકાયેલી ખાસ સઘન સુધારણા ઝુંબેશના ગણતરીના તબક્કામાં ગુજરાતનું નોંધપાત્ર પ્રદર્શન જોવા મળી રહ્યું છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code