
ભારતના સરહદી વિસ્તારમાં પરિસ્થિતિ સામાન્ય, સેનાની તમામ સ્થિતિ ઉપર ચાંપતી નજર
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ગઈકાલે શનિવારે બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામની સમહતિ સંધાઈ હતી. જો કે, ગણતરીના કલાકો બાદ જ સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા હરકત કરવામાં આવી હતી. બીજી તરફ ભારત દ્વારા પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવામાં આવ્યો હતો. જો કે, મોડી રાતથી આજ સવાર સુધી પાકિસ્તાન દ્વારા સરહદી વિસ્તારમાં કોઈ હરકત કરવામાં આવી નહીં હોવાનું જાણવા મળે છે. તેમજ પંજાબ, જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાનના સરહદી વિસ્તારમાં શાંતિ જોવા મળી હતી. તેમજ પરિસ્થિતિ સામાન્ય રહી હતી.
પંજાબના પઠાનકોટ, ફિરોજપુર, જમ્મુ-કાશ્મીરના સરહદી વિસ્તાર તથા રાજસ્થાનના બાડમેર અને જેસલમેર સહિતના સરહદી જિલ્લામાં આજે સવારથી પરિસ્થિતિ સામાન્ય જોવા મળી હતી. જો કે, મોડી રાતથી પાકિસ્તાન દ્વારા કોઈ હરકત કરવામાં આવી નથી. જો કે, ભારત સરકાર દ્વારા સેનાને છુટોદોર આપવામાં આવ્યો છે. તેમજ સરહદ ઉપર પાકિસ્તાનને તેની ભાષામાં જવાબ આપવાની મંજુરી આપવામાં આવી છે. સરહદ ઉપર ભારતીય સેના હાલ તૈનાત છે તેમજ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલગામ હુમલા બાદ આતંકવાદીઓના ખાતમા માટે ભારતીય સેનાએ ઓપરેશન સિંદુર હાથ ધર્યું હતું. તેમજ આતંકી અડ્ડાઓને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યાં હતા. જે બાદ પાકિસ્તાની સેનાએ પણ સરહદી જિલ્લામાં ડ્રોન અને મિસાઈલ વડે હુમલો કરવામાં આવ્યાં હતા. જો કે, ભારતીય સેનાએ એર ડિફેન્સ સિસ્ટમની મદદથી તમામ ડ્રોન અને મિસાઈલ તોડી પાડવામાં આવ્યાં હતા.