
કર્ણાટકના વિજયપુરામાં ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં છ લોકોના મોત થયા
- બસ, એસયુવી કાર અને બોલેરો વચ્ચે સર્જાયો અકસ્માત
- પોલીસની ટીમ ઘટના સ્થળ પર દોડી ગઈ હતી
બેંગ્લોરઃ કર્ણાટકના વિજયપુરામાં માનાગુલુ નજીક એક ખાનગી બસ અને એસયુવી તથા બોલેરો વચ્ચે થયેલી ટક્કરમાં પાંચ લોકોના મોત થયા છે. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ટુકડા થઈ ગયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, કારમાં સવાર પાંચ લોકો અને બસ ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ દરમિયાન, અન્ય ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્તળ પર દોડી ગયો હતો. તેમજ તમામ મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
વિજયપુરાના પોલીસ અધિક્ષક લક્ષ્મણ નિમ્બર્ગીએ જણાવ્યું હતું કે સોલાપુર તરફ જતી મહિન્દ્રા SUV 300 કાર મુંબઈથી બલ્લારી આવી રહેલી એક ખાનગી બસ સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો. જ્યારે, બીજી એક બોલેરો પણ આ અકસ્માતનો ભોગ બની હતી. તેમણે જણાવ્યું કે આ અકસ્માતમાં બોલેરોમાં મુસાફરી કરી રહેલા પાંચ મુસાફરો અને ખાનગી બસના ડ્રાઇવરનું મોત થયું છે. જોકે, તે બોલેરો અકસ્માત કેવી રીતે થયો તે સમજાવી શક્યા નહીં. તેમણે કહ્યું કે અકસ્માતને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ટ્રાફિક ખોરવાયો છે. લક્ષ્મણ નિમ્બર્ગીએ જણાવ્યું હતું કે, સવારે થયેલા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ હજુ સુધી થઈ નથી.