નવી દિલ્હીઃ દેશમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે, ઉત્તરભારતમાં કડકડતી ઠંડી વચ્ચે સવારે ગાઢ ધુમ્મસ છવાય છે, જેના કારણે ઉત્તરભારતના જનજીવન ઉપર અસર પડી છે. દરમિયાન નોઈડાના દાદરી કોતવાલી વિસ્તારમાં ધુમ્મસને કારણે હાઈવે ઉપર અનેક વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળે છે. ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી હોવાથી છ જેટલા વાહનો એક-બીજા સાથે ઘડાકાભેર અથડાયાં હતા. સદનસીબે આ દૂર્ઘટનામાં કોઈ મોટી જાનહાની થઈ ન હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર નોઈડાના દાદરી કોતવાલી સૌથી પહેલા કાર અને કેન્ટર પહેલા અથડાયા હતા. ત્યાર બાદ પાછળથી આવી રહેલા વાહનો ધડાકાભેર અથડાવા લાગ્યા. હાઈવે પર ઓછી વિઝિબિલિટીના કારણે કેટલાક વાહનો રસ્તાની બાજુની રેલિંગ સાથે પણ અથડાયા હતા. આ અકસ્માત બિશારા ફ્લાયઓવરથી બુલંદશહેર તરફ જતા રોડ પર થયો હતો. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. માર્ગ અકસ્માતની આ ઘટનામાં કેટલાક લોકોને નાની-મોટી ઈજા થઈ હતી. અકસ્માતને પગલે હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો. જેથી અકસ્માતમાં નુકસાન પામેલી ગાડીઓને ક્રેનની મદદથી રોડ પરથી હટાવવામાં આવી હતી. વિઝિબિલિટી ઘણી ઓછી હોવાથી ફરીથી અકસ્માતની ઘટનાઓ ના બને તે માટે પોલીસ ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવી હતી.