અમદાવાદ, 10 એપ્રિલ 2026: Small and medium enterprises troubled by GST-related problems ગુજરાતમાં લઘુ અને મધ્યમ ઉદ્યોગ (MSME)ના સંચાલકો ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) સંબંધિત વિવિધ સમસ્યાઓને કારણે આર્થિક દબાણનો સામનો કરી રહ્યા છે. ખાસ કરીને વિલંબિત GST રિફંડ, ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર અને વેરાશાખ બ્લોકેજ ઉદ્યોગોની લિક્વિડિટી અને દૈનિક કામગીરીને અસર કરતી મુખ્ય ચિંતાઓ તરીકે સામે આવી છે. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં કેમિકલ્સ, એન્જિનિયરિંગ, રી-રોલિંગ મિલો, સ્ક્રેપ ટ્રેડિંગ તેમજ ટ્રેડિંગ ક્ષેત્રોમાં જીએસટી સંબંધિત સમસ્યાઓ વધુ જોવા મળી રહી છે.
ભાવનગર જિલ્લામાં મોટા પ્રમાણમાં MSME એકમો કાર્યરત છે. આ ઉદ્યોગોમાં છેલ્લા કેટલાક સમયથી જીએસટી રિફંડ પ્રક્રિયામાં વિલંબ અને વેરાશાખ મિસમેચની સમસ્યાઓ વધતી જતી જોવા મળી રહી છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, સમયસર રિફંડ ન મળવાથી કાર્યકારી મૂડી પર ગંભીર અસર પડે છે. જેના કારણે ઉત્પાદન અને વ્યવસાયિક પ્રવાહ બંને પર પ્રતિકૂળ અસર થઈ રહી છે. લઘુ અને મધ્યમ ઉદ્યોગકારોના કહેવા મુજબ જીએસટી રિફંડ મેળવવાની પ્રક્રિયામાં નોંધપાત્ર વિલંબ થઈ રહ્યો છે. જીએસટી નોંધણી રદ કરવાની પ્રક્રિયામાં પણ લાંબા સમય સુધી વિલંબ થાય છે. ઘણા વ્યવસાયો બંધ થઈ ગયા હોવા છતાં, નોંધણી રદ ન થાય ત્યાં સુધી તેમને નિયમિત રીતે જીએસટી રિટર્ન ફાઇલ કરવી પડે છે, જે વધારાનું વહીવટી ભારણ ઉભું કરે છે.
ઉદ્યોગકારોએ વધુમાં જણાવ્યું હતું કે, ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર પણ એક મોટી સમસ્યા બની રહી છે, જેમાં કાચા માલ પર વધુ કર લાગતો હોય છે જ્યારે તૈયાર ઉત્પાદનો પર ઓછો કર લાગતો હોય છે. આ કારણે વેરાશાખ બ્લોક થઈ જાય છે અને રિફંડ માટે લાંબા સમય સુધી રાહ જોવી પડે છે. આ અંગે જીએસટી વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રામાણિક કરદાતાઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વિભાગ સતત પ્રયાસ કરી રહ્યો છે. સિસ્ટમ આધારિત પ્રક્રિયા હેઠળ 1 ટકાથી ઓછા કેસો ઓડિટ માટે પસંદ કરવામાં આવે છે, જે લક્ષિત અને મર્યાદિત ચકાસણી દર્શાવે છે. અધિકારીઓએ વધુમાં ઉમેર્યું કે રિફંડ, નવી નોંધણી, સ્થળ ચકાસણી તેમજ નોંધણી રદ કરવાની પ્રક્રિયાઓ માટે નિર્ધારિત સમયમર્યાદાનું પાલન થાય તે માટે વિભાગ દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
એક ટેક્સ કન્સલટન્ટના કહેવા મુજબ જીએસટી વિભાગ દ્વારા રિફંડ આપવા અંગેની સમયમર્યાદાનું પાલન કરવામાં આવતુ નથી, જેના કારણે લઘુ અને મધ્યમ ઉદ્યોગોની વર્કિંગ કેપિટલ સલવાઇ રહી છે. નિયમાનુસારના રિફંડ માટે ઉદ્યોગકારોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.


