માઉન્ટ આબુમાં ઝીરો ટેમ્પ્રેચર સાથે બર્ફિલો માહોલ, બરફના નજારાને માણવા પ્રવાસીઓ ઉમટી પડ્યાં
- માઉન્ટમાં હોટલો અને પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો પર બરફના થર જામી ગયા,
- ગાર્ડનમાં અને પોલો ગ્રાઉન્ડ ખાતે બરફની ચાદર છવાઈ ગઈ,
- ગુજરાતમાં પણ હવે ઠંડીનું જોર વધશે
અમદાવાદઃ ગુજરાતમાં ધીમા પગલે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગુજરાતની સરહદ પર આવેલા રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશનમાં તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી જતાં બર્ફિલો માહોલ જામ્યો છે. હોટલો અને પાર્કિંગમાં પાર્ક કરાયેલા વાહનો પર બરફના થર જામી ગયા છે. બર્ફિલા નજારાના માણવા માટે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. નક્કી તળાવ પર લોકો ઠંડીનો આનંદ માણતા જોવા મળ્યા હતા. દરમિયાન રાજ્યના હવામાન વિભાગના કહેવા મુજબ ગુજરાતમાં કાલથી ઠંડીમાં ક્રમશઃ વધારો થવાની શક્યતા છે. રાજ્યમાં સૌથી ઓછુ નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ.
હીલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાન ઝીરો ડિગ્રીએ પહોંચતા બર્ફિલો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ માઉન્ટમાં લોકો ઠંડીથી બચવા તાપણા કરતા જોવા મળ્યા હતા. આબુ ખાતે અનેક જગ્યાએ બરફની ચાદર છવાઈ ગઈ હતી. પાર્કિંગ કરેલી ગાડીઓમાં, ગાર્ડનમાં અને પોલો ગ્રાઉન્ડ ખાતે બરફની ચાદર છવાઈ હતી. ગુરુ શિખર, નક્કી તળાવ વિસ્તારમાં વાતાવરણ ઠંડુંગાર જોવા મળી રહ્યું છે. નક્કી તળાવ પર લોકો ઠંડીનો આનંદ માણતા જોવા મળ્યા હતા. સવારમાં બરફ જામી જતાં જાણે કાશ્મિરમાં હોય તેવો અહેસાસ પ્રવાસીઓને થઈ રહ્યો છે. પ્રવાસીઓ આવી ઠંડીમાં પણ બોટિંગની મજા માણી રહ્યા છે તો કોઈ ગરમ ચાની ચુસ્કીઓ લઈ અનેરો આનંદ ઉઠાવી રહ્યા છે. હાલ તાપમાન શૂન્ય ડિગ્રીએ પહોંચી ગયું છે જોકે, ડિસેમ્બર મહિનામાં તાપમાન માયનસ ડિગ્રીમાં પહોંચી જશે.
ગુજરાતમાં પણ હવે ઠંડીનું જોર વધશે. રાજ્યના મોટાભાગના શહેરોમાં રાત્રિના અને વહેલી સવારના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના લીધો ઠંડીમાં વધારો થયો છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નલિયામાં 10.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતુ. સુરતને બાદ કરતા તમામ મહાનગરોમાં 15 ડિગ્રી નીચે લઘુત્તમ તાપમાન નોંધાયું હતુ. રોજ તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી ગગડતા રાજ્યમાં ઠંડીનો માહોલ જામતો જાય છે. આગામી દિવસોમાં હજુ તાપમાનમાં ઘટાડો નોંધાતા ઠંડી ભુક્કા બોલાવશે.


