
સંસદમાં વિપક્ષના સુત્રોચ્ચાર અને હંગામા મામલે અધ્યક્ષ ઓમ બિરલાએ નારાજગી વ્યક્ત કરી
નવી દિલ્હી: લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ ગુરુવારે ગૃહમાં સૂત્રોચ્ચાર કરી રહેલા કોંગ્રેસના સભ્યોને કહ્યું કે તેમની પાર્ટીએ લાંબા સમય સુધી દેશ પર શાસન કર્યું છે અને હવે તેઓ “આયોજિત રીતે” હોબાળો કરીને સભ્યોના અધિકારો છીનવી લેવા માંગે છે. એક સમાચાર પર કોંગ્રેસ અને કેટલાક અન્ય વિપક્ષી પક્ષોના સભ્યો ગૃહમાં હોબાળો કરી રહ્યા હતા. ગૃહમાં પ્રશ્નકાળ શરૂ થતાં જ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોના સભ્યોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા હતા. બિરલાએ તેમને નારા લગાવવાનું બંધ કરવા અને ગૃહને કાર્યરત રહેવા દેવાની અપીલ કરી.
કોંગ્રેસનું નામ લીધા વિના તેમણે કહ્યું, “તમે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન આયોજિત ગતિરોધ બનાવો છો, આ સારી પ્રથા નથી. તમે (કોંગ્રેસ) આટલા વર્ષોથી શાસન કર્યું છે….તમે ગૃહમાં વિક્ષેપ પાડતા રહો છો. બિરલાએ કહ્યું, “મેં કહ્યું છે કે અમે બપોરે 12 વાગ્યે આ મુદ્દો ઉઠાવવાની મંજૂરી આપીશું, પરંતુ તમે ચર્ચા ઇચ્છતા નથી. તમે ગૃહમાં મહત્વપૂર્ણ મુદ્દાઓ લાવવા માંગતા નથી. તેમણે કહ્યું, “સરકારની જવાબદારી પ્રશ્નકાળ દરમિયાન નક્કી થાય છે. આ સૌથી મહત્વપૂર્ણ સમય છે. તમે સભ્યોના અધિકારો છીનવી લેવા માંગો છો.” હોબાળો બંધ ન થતાં, બિરલાએ સવારે ૧૧.૦૫ વાગ્યે ગૃહની કાર્યવાહી બપોરે ૨ વાગ્યા સુધી મુલતવી રાખી હતી.