
- દિવાળીના વેકેશન પહેલા જ પ્રવાસી ટ્રાફિકના ઘસારા પહોંચી વળવા કરાયો નિર્ણય,
- ગાંધીધામથી કોલકાતા વિકલી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન કાલે બુધવારથી દોડશે,
- ભાવનગર ટર્મિનસ – શકૂર બસ્તી (દિલ્હી) સાપ્તાહિક સ્પેશ્યલ 19 સપ્ટેમ્બરથી દોડશે
અમદાવાદઃ દિવાળીના વેકેશનના પ્રવાસી ટ્રાફિકને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ ગાંધીધામ અને ભાવનગરથી બે વિશેષ સાપ્તાહિક ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં વિશેષ ભાડા સાથે ગાંધીધામથી કોલકાતાના સિયાલદહ અને ભાવનગરથી દિલ્હીના શકૂર બસ્તી વચ્ચે ટ્રેન દોડાવાશે.
પશ્વિમ રેલવે દ્વારા દિવાળી સહિતના તહેવારોને ધ્યાનમાં રાખીને વિશેષ ટ્રેન દોડાવાનો નિર્ણય કર્યો છે. જેમાં કચ્છના ગાંધીધામથી કોલકાતાને સાંકળતી વિકલી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન દોડશે. 09437 નંબરની ટ્રેન ગાંધીધામથી દર બુધવારે 18:25 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે 16:15 વાગ્યે કોલકાતાના સિયાલદહ પહોંચાડશે. જ્યારે રિટર્નમાં આ ટ્રેન દર શનિવારે વહેલી સવારે 05:15 વાગ્યે સિયાલદહથી ઉપડશે અને ત્રીજા દિવસે રાત્રે 2 વાગ્યે ગાંધીધામ પહોંચાડશે. આવતી કાલે 17 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર દરમિયાન ગાંધીધામથી બંગાળના સેન્ટ્રલ કોલકાતાના સિયાલદહને જોડતી ટ્રેનનો પ્રારંભ થશે. જેમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના 29 સ્ટેશનોને સાંકળતી ટ્રેન ત્રીજા દિવસે પહોંચશે. આમ 5 રાજ્યોમાંથી પસાર થઈને ટ્રેન પશ્ચિમ બંગાળ પહોંચશે.
જ્યારે ટ્રેન નંબર 09257 ભાવનગર ટર્મિનસ – શકૂર બસ્તી સાપ્તાહિક સ્પેશ્યલ 19 સપ્ટેમ્બર, 2025 થી 28 નવેમ્બર, 2025 સુધી દર શુક્રવારે ભાવનગર ટર્મિનસથી બપોરે 13.50 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે શનિવારે સવારે 10.35 વાગ્યે શકૂર બસ્તી પહોંચશે. તેમજ ટ્રેન નંબર 09258 શકૂર બસ્તી – ભાવનગર ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન 20 સપ્ટેમ્બર, 2025 થી 29 નવેમ્બર, 2025 સુધી દર શનિવારે શકૂર બસ્તીથી બપોરે 13.15 વાગ્યે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે રવિવારે સવારે 10.45 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. બંને દિશામાં આ ટ્રેન ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, લીંબડી, સુરેન્દ્રનગર ગેટ, વિરમગામ, મહેસાણા, પાલનપુર જં., આબુરોડ, મારવાડ જં., બ્યાવર, અજમેર જં., કિશનગઢ, જયપુર જં., ગાંધીનગર જયપુર, દૌસા જં., બાંદીકુઈ જં., રેવાડી જં., ગુડગાંવ અને દિલ્હી કૅન્ટ સ્ટેશનો પર ઠહેરશે. આ ટ્રેનમાં દ્વિતીય શ્રેણી, શયનયાન, થર્ડ એસી, થર્ડ એસી ઈકોનોમી અને સેકંડ એસી કોચ શામેલ રહેશે.