
શેરબજારમાં રિકવરી, બીએસઈ સેન્સેક્સમાં 200થી વધારે પોઈન્ટનો વધારો
મુંબઈ: ગુરુવારે શરૂઆતના કારોબારમાં સ્થાનિક બજારો સેન્સેક્સ અને નિફ્ટીમાં સુધારો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં BSE સેન્સેક્સ 214.08 પોઈન્ટ વધીને 76,385.16 પર પહોંચી ગયો હતો. સેન્સેક્સમાં લિસ્ટેડ 30 કંપનીઓમાં કોટક મહિન્દ્રા બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ઝોમેટો, બજાજ ફિનસર્વ, બજાજ ફાઇનાન્સ અને ટાટા સ્ટીલના શેરોમાં સૌથી વધુ તેજી રહી. ટેક મહિન્દ્રા, ટાઇટન, ઇન્ડસઇન્ડ બેંક, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ, એચસીએલ ટેક અને ટાટા મોટર્સના શેરમાં ઘટાડો થયો હતો. એશિયન બજારોમાં, ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ નુકસાનમાં હતો જ્યારે જાપાનનો નિક્કી, હોંગકોંગનો હેંગ સેંગ અને દક્ષિણ કોરિયાનો કોસ્પી નફામાં હતો.
બુધવારે યુએસ બજારો નકારાત્મક વલણ સાથે બંધ થયા હતા. આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ 0.98 ટકા ઘટીને USD 74.44 પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું છે. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) બુધવારે વેચવાલ રહ્યા હતા અને તેમણે 4,969.30 કરોડ રૂપિયાના શેર વેચ્યા હતા.
આજે અદાણી ગ્રુપના તમામ શેરમાં પણ વધારો જોવા મળી રહ્યો છે, જે બજારને મજબૂત બનાવી રહ્યો છે. સવારે 9.18 વાગ્યાના ડેટા અનુસાર, અદાણી ગ્રીન એનર્જીનો શેર ૩.૦૫% વધીને રૂ. ૯૪૪.૮૫, અદાણી એનર્જી સોલ્યુશન્સનો શેર ૨.૩૬% વધીને રૂ. ૭૭૪.૬૫, અદાણી ટોટલ ગેસનો શેર ૧.૭૨% વધીને રૂ. ૬૦૬, અદાણી પોર્ટ્સનો શેર ૧.૧૯% વધીને રૂ. ૧,૧૪૨.૩૫ થયો છે. આ ઉપરાંત, અદાણી એન્ટરપ્રાઇઝ 0.58%, અદાણી પાવર 0.64%, અદાણી વિલ્મર 0.79%, NDTV 1.04%, ACC 0.55%, અંબુજા સિમેન્ટ 1.27% ના વધારા સાથે કારોબાર કરી રહ્યા હતા.