- નરોડામાં વેજિટેબલ માર્કેટ બહાર લારીઓના દબાણો હટાવાતા વાતાવરણ તંગ બન્યું
- પથ્થરમારામાં એક પોલીસ કર્મચારીને ઈજા થતાં હોસ્પિટલ ખસેડાયો
- પોલીસે ટોળાં સામે રાયોટિંગનો ગુનો નોંધી બેની અટકાયત કરી
અમદાવાદઃ stones pelted at AMC and police team શહેરના નરોડા વિસ્તારમાં વેજિટેબલ માર્કેટ બહાર ફ્રુટની લારીઓના દબાણો હટાવવા ગયેલી એએમસીના એસ્ટેટ વિભાગની ટીમ અને બંદોબસ્તમાં મુકાયેલી પોલીસ પર પથ્થરમારો કરાયો હતો. એસ્ટેટ વિભાગના કર્મચારીઓ અને પોલીસ દ્વારા લારીઓના દબાણો દુર કરાવતા જ લારીવાળા અને ફેરિયાઓ ઉશ્કેરાયા હતા.અને પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જોકે, પોલીસે તાત્કાલિક ધોરણે હુમલો કરનારા લારીવાળાનો સામાન ભરી લીધો હતો. આ હુમલાની ઘટનામાં એક પોલીસકર્મીને ઇજા થતા હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે, અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ પોલીસ બંદોબસ્ત સાથે નરોડા વિસ્તારમાં GEB રોડ પર વેજીટેબલ માર્કેટની બહારના ભાગે દબાણો દૂર કરવા પહોંચ્યા હતા. શાકભાજીની લારીવાળા ધંધો કરી શકે તે માટે વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યું છે, પરંતુ કેટલાક લારીવાળા રોડની બહાર રોજ ઉભા રહીને ધંધો કરતા હતા. જેથી દબાણ હટાવો ટીમ દ્વારા આ તમામ લારીઓ દૂર કરવામાં આવી હતી. દરમિયાન ઉશ્કેરાયેલા લારીઓવાળાઓએ પોલીસ અને મ્યુનિની ટીમ ઉપર પથ્થરમારો કર્યો હતો. મોટી સંખ્યામાં લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા. પોલીસ દ્વારા બળપ્રયોગ કરીને ત્યાંથી તમામ લોકોને દૂર કર્યા હતા પથ્થરમારાની ઘટનામાં એક પોલીસકર્મીને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ મામલે પથ્થરમારો કરનારા લોકો વિરૂદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
નરોડા પોલીસ સ્ટેશનના પીઆઇ પી.વી ગોહિલે જણાવ્યું હતું કે, ભીડમાંથી કેટલાક લોકોએ પથ્થર ફેંક્યા હતા. આ દરમિયાન ASI કમેલશભાઈને ઈજા પહોંચી હતી. કમલેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટોળાં સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. 2 આરોપીની અટકાયત કરાઈ છે. જ્યારે અન્ય આરોપીઓને રાઉન્ડઅપ કરવા માટે પોલીસની ટીમ પહોંચી છે


