
- અમરેલીના લાઠી રોડ પર કૂતરા કરડવાના વધુ બનાવો,
- નગરપાલિકાનું તંત્ર કૂતરા પકડવામાં નિષ્કિય,
- રાતના સમયે પણ કૂતરા વાહનો પાછળ દોડે છે
અમરેલી: શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. શહેરની દરેક શેરીઓમાં વાહનો પાછળ કૂતરા પડતા હોય છે. એક જ દિવસમાં કૂતરા કરડવાના 15 બનાવો બન્યો છે. શહેરના નગરપાલિકાનું તંત્ર કૂતરાની વસતીના નિયંત્રણ કરવામાં નિષ્ફળ ગયુ છે. રખડતા ઢોરની જેમ હવે તો રખડતા કૂતરાનો ત્રાસ પણ વધી ગયો છે.
અમરેલીના લાઠી રોડ સહિતના શહેરી વિસ્તારમાં રખડતા શ્વાને બાળકો તેમજ અન્ય વ્યક્તિઓને બચકા ભર્યા હતા, જેના સીસીટીવી વિડીયો સામે આવ્યા છે. શહેરમાં કૂતરાનો આતંક સામે આવતા ભયનો માહોલ ફેલાયો છે. ચોંકાવનારી બાબત એ છે કે, છેલ્લા 24 કલાકમાં 15 થી વધારે વ્યક્તિઓને શ્વાને બચકા ભર્યા છે જેમાં સૌથી વધુ શહેરના લાઠી રોડ પર કૂતરા કરડવાના વધુ બનાવો નોંધાયા છે.
અમરેલીમાં લાઠી રોડ પર આવેલા રોયલ પાર્કમાં શ્વાનનો હુમલો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આ ઉપરાંત લાઠી રોડ રેલવે ફાટક નજીક બ્રાહ્મણ સોસાયટી સહિતના વિસ્તારમાં પણ રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. રખડતા શ્વાનો અવારનવાર બચકા ભરવા માટે હુમલો કરી રહ્યા છે અને જેની ઘટનાઓ એક દિવસમાં 15 જેટલી સામે આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના લાઠી રોડ ઉપર બે વાગ્યાના સમયે માતા અને પુત્રી પસાર થઈ રહ્યા હતા જે દરમિયાન અચાનક શ્વાને બાળકીને પીઠ પાછળ તેમજ પગના ભાગે બચકા ભર્યા હતા. આ સંપૂર્ણ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ માતા પુત્રી તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમને સારવાર આપવામાં આવી હતી. ત્યારે અન્ય એક નાના બાળકો તેમજ એક વ્યક્તિને પણ એ સમય દરમિયાન રખડતા શ્વાને બચકા ભર્યા હતા તેમને પણ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા અને સારવાર આપવામાં આવી હતી.