- નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે ઇન્ટર્નશિપ ફરજિયાત,
- સરકારી કે ખાનગી એકમેમાં વિદ્યાર્થીઓએ 120 કલાક ઈન્ટર્નશિપ કરવી પડશે,
- યુનિ. દ્વારા GIDC, FGI, CA ફર્મ, બેન્કો અને વિમા કંપની સાથે સંપર્ક કરાયો
વડોદરાઃ એમ એસ યુનિવર્સિટીમાં હવે નવી શિક્ષણ નીતિ મુજબ હવે વાણિજ્ય શાખાના વિદ્યાર્થીઓએ પણ 120 કલાકની ઈન્ટર્નશિપ કરવી પડશે. તમામ વિદ્યાર્થીઓને જે તે ક્ષેત્રનું પ્રેક્ટિકલ જ્ઞાન મળે તે આજના સાંપ્રત સમયમાં જરૂરી છે. એમ એસ યુનિવર્સિટીમાં કોમર્સના તજજ્ઞોની બેઠક મળી હતી. આ બેઠકમાં કોમર્સ ફેકલ્ટીના 4 હજાર વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. યુનિવર્સિટી દ્વારા GIDC, FGI, CA ફર્મ, બેન્કો અને વિમા કંપની સાથે સંપર્ક કરીને કોમર્સના વિદ્યાર્થીઓને ઈન્ટર્નશિપ માટે મોકલવામાં આવશે,
એમ.એસ.યુનિવર્સિટી દ્વારા નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને છેલ્લા સેમિસ્ટરમાં ઇન્ટર્નશિપ માટે મોકલવામાં આવશે. કોમર્સ ફેકલ્ટીની બેઠકમાં અધ્યાપકોને ઓરીએન્ટેશન દરમિયાન માહિતી અપાઈ હતી કે વિભાગો પ્રમાણે ટીમ બનાવાશે જેના આધારે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ માટે મોકલાશે. વિદ્યાર્થીઓને એનઇપીના નિયમ પ્રમાણે 120 કલાકની ઇન્ટર્નશિપ આપવાની છે. રોજના 6 કલાક પ્રમાણે ઇન્ટર્નશિપ મળે તો તેવા સંજોગોમાં 30 દિવસમાં ઇન્ટર્નશિપ પૂરી થાય તેમ છે. છઠ્ઠા સેમેસ્ટરના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ ફરજિયાત છે. વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરશે તેના આધારે જ તેમને માર્ક અપાશે. કોમર્સ ફેકલ્ટીમાં 4 હજાર વિદ્યાર્થીને ઇન્ટર્નશિપ માટે જાન્યુઆરીથી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે .
યુનિના સૂત્રોના કહેવા મુજબ સરકારી કચેરીઓ,એનજીઓમાં વિદ્યાર્થીઓ ઇન્ટર્નશિપ કરે તે માટે નવી એજ્યુકેશન પોલિસીમાં ઉલ્લેખ કરાયો છે. કોમર્સ ફેકલ્ટીના દ્વારા વિદ્યાર્થીઓને કોર્પોરેશન,અન્ય સરકારી કચેરીમાં ઇન્ટર્નશિપની તક મળે તે માટે સરકારી કચેરીઓના વડા સાથે બેઠક કરી પ્રયાસ કરાશે.


