
- ABVPએ માટલા પર ‘વી વોન્ટ વોટર’ લખી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કર્યું
- ફેકલ્ટી અને હોસ્ટેલમાં પાણીની ટાંકી સાફ કરાવવાની માગ
- કોમર્સ ફેકલ્ટીમાં પીવાના પાણી માટે કેરબા મગાવવા પડે છે
વડોદરાઃ દેશની પ્રતિષ્ઠિત ગણાતી મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સીટીના ભવનો અને હોસ્ટેલમાં દૂષિત પાણીની ફરિયાદો બાદ પણ કોઈ પગલાં ન લેવાતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓને સ્વચ્છ પાણી મળે તે માટે હેડ ઓફીસ ખાતે માટલા સાથે દેખાવો કર્યા હતા.અને તમામ હોસ્ટેલોમાં પીવાના શુધ્ધ પાણીની વ્યવસ્થા કરવા માંગણી કરી હતી.
એમ એસ યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં ગંદા પાણી અને પાણીની ટાંકીઓ સાફ કરવા મુદ્દે એબીવીપીના વિદ્યાર્થી નેતાઓએ ઇન્ચાર્જ વીસીને રજૂઆત કરી હતી અને વી વોન્ટ વોટરના માટલા સાથે વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું અને સુત્રોચારો કર્યા હતા. એબીવીપીએ આપેલા આવેદન પત્રમાં જણાવ્યું હતું કે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓ અને દરેક હોસ્ટેલમાં સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે માટે જરૂરી પગલાં લેવાની માગ કરી હતી. યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓ અને હોસ્ટેલમાં પીવાના પાણીના ફિલ્ટર તથા પરબની સમયસર સફાઈ અને જાળવણી કરવી, સ્વચ્છતા અને સુલભતા જાળવવા માટે યુનિવર્સિટીની તમામ હોસ્ટેલમાં પાણી પીવાના ગ્લાસની જોગવાઈ કરવી, વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની સુરક્ષા માટે દરેક ફેકલ્ટી અને હોસ્ટેલમાં પીવાના શુદ્ધ પાણીની ઉપલબ્ધતાની ખાતરી કરવાની માંગણી કરી હતી.
એબીવીપીએ યુનિના કેમ્પસમાં માટલા સાથે દેખાવો કરાયા હતા. ત્રણ માટલા પર વી વોન્ટ વોટરનું પોસ્ટર લગાડવામાં આવ્યું હતું. યુનિવર્સિટી કેમ્પસમાં વિવિધ ફેકલ્ટીઓમાં પાણી ચોખ્ખું આવતું ના હોવાની વ્યાપક ફરીયાદો ઉઠી છે. યુનિવર્સિટીની સૌથી મોટી ફેકલ્ટી કોમર્સ મેઇન બિલ્ડિંગ પર છેલ્લા બે વર્ષથી વોટર કુલર બંધ હાલતમાં છે. જેના કારણે વિદ્યાર્થીઓ માટે પાણીના કેરબા મગાવવામાં આવી રહ્યા છે વિદ્યાર્થીઓની અનેક રજૂઆતો છતાં પણ કુલર ચાલુ કરવામાં આવી રહ્યું નથી. યુનિવર્સિટીના બોયઝ અને ગર્લ્સ હોસ્ટેલમાં પાણીની ટાંકી સાફ કરવામાં આવતી ના હોવાની વ્યાપક ફરીયાદ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે. દૂષીત પાણીના કારણે વિદ્યાર્થી બીમાર થતા હોવાનું પણ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું. બોયઝ હોસ્ટેલમાં ઘણા હોલમાં પાણીના જગ મંગાવામાં આવી રહ્યા છે.