
- રાહુલ ગાંધી શુક્રવારે પ્રદેશના નેતાઓ સાથે બેઠક કરશે
- શનિવારે કોંગ્રેસના કાર્યકરો સાથે રાહુલ ગાંધી સંવાદ કરશે
- 8મી અને 9મી એપ્રીલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદ રિવરફ્રન્ટ પર યોજાશે
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવા માટે કોંગ્રેસના હાઈકમાન્ડે કવાયત હાથ ધરી છે. કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન આગામી તા. 8મી અને 9મી એપ્રીલના રોજ અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાશે. અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, દરમિયાન લોકસભાના વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તા. 7મી માર્ચે બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. રાહુલ ગાંધી અમદાવાદમાં રાજીવ ગાંધી ભવન ખાતે 7મી માર્ચને શુક્રવારે પ્રદેશ કોંગ્રેસના નેતાઓને મળશે. ત્યારબાદ શનિવારે કોંગ્રેસના કાર્યકરો સાથે સંવાદ કરશે.
ગુજરાતમાં ભાજપને પરાજ્ય આપવો એ કોંગ્રેસ માટે મોટો પડકાર છે. કોંગ્રેસના સંગઠનને મજબુત બનાવવા શું કરી શકાય તે માટે કોંગ્રેસના હાઈકમાન્ડ દ્વારા મંથન કરવામાં આવી રહ્યું છે. દરમિયાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી તા.7 અને 8 માર્ચના રોજ ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવશે. રાહુલ ગાંધી 7મી માર્ચે સવારે 10 કલાકે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને આ પછી પ્રદેશ પ્રમુખ, વિરોધ પક્ષના નેતા સહિતના નેતાઓ સાથે બેઠક યોજશે. ત્યારબાદ પક્ષના વિવિધ હોદ્દેદારો સાથે બેઠક યોજશે. 8મીએ રાહુલ ગાંધી જાહેર કાર્યક્રમમાં કાર્યકરો સાથે સંવાદ કરશે. બે દિવસીય પ્રવાસમાં તેઓ 8મીએ ગુજરાતથી સંગઠનની રચનાના નવા મોડલની શરૂઆત કરશે અને તે આખા દેશના રાજ્યોમાં સંગઠનની રચના માટે લાગુ કરાશે.
રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ પહેલાં કોંગ્રેસના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ મંગળવારે અમદાવાદ પહોંચ્યા હતા. તેમણે ગુજરાતમાં એપ્રિલ મહિનામાં યોજાનારા કોંગ્રેસ અધિવેશન માટે ચર્ચા કરી હતી. આ પછી તેમણે રાહુલ ગાંધી 7 અને 8 માર્ચના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે તેની જાહેરાત કરી હતી. રાહુલ ગાંધી સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શકિતસિંહ ગોહિલ, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ, શૈલેષ પરમાર, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો સહિતના પ્રદેશના ટોચના નેતાઓને મળશે. આ આ પછી તેઓ કોંગ્રેસના જિલ્લા પ્રમુખો, તાલુકા પ્રમુખો સાથે પણ ચર્ચા કરશે. તેઓ કોંગ્રેસની પોલીટીકલ એફેર્સની બેઠકમાં પણ ભાગ લેશે. ગુજરાતમાં 2027ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવશે તેવો પડકાર ફેંક્યો હતો. તેના અનુસંધાને રાહુલ ગાંધીએ ગુજરાતમાં પોતાની અને કોંગ્રેસની સક્રિયતા વધારવા આ પ્રવાસ યોજ્યો છે.
પ્રદેશ કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા મુજબ આગામી તા. 8 અને 9 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં કોંગ્રેસનું મહાઅધિવેશન યોજાશે. આ અધિવેશન માટે સ્થળ પસંદગી કરવા કોંગ્રેસના કાર્યકારી સંગઠન મહામંત્રી કે. સી. વેણુગોપાલ ગુજરાત આવ્યા હતા. તેમનું એરપોર્ટ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે કોંગ્રેસના અધિવેશન માટે રિવરફ્રન્ટ, કલબ ઓ સેવન, શાહીબાગનું સરદાર સ્મારક અને અન્ય એક સ્થળની મુલાકાત લીધી હતી. જો કે ટ્રાફિકની સુગમતા અને કોંગ્રેસ કાર્યાલય નજીક હોવાથી રિવરફ્રન્ટને અધિવેશનના સ્થળ તરીકે ફાઈનલ કરાયું છે. આ અધિવેશનમાં સમગ્ર દેશમાંથી કોંગ્રેસના નેતાઓ ગુજરાત આવશે.