1. Home
  2. ગુજરાતી
  3. પ્રદુષણ મુદ્દે સુપ્રીમ કોર્ટનો અણીયારો સવાલ, નિયમો માત્ર દિલ્હી માટે જ કેમ?
પ્રદુષણ મુદ્દે સુપ્રીમ કોર્ટનો અણીયારો સવાલ, નિયમો માત્ર દિલ્હી માટે જ કેમ?

પ્રદુષણ મુદ્દે સુપ્રીમ કોર્ટનો અણીયારો સવાલ, નિયમો માત્ર દિલ્હી માટે જ કેમ?

0
Social Share

નવી દિલ્હી : પ્રદૂષણ રોકવા સંબંધિત નીતિ પર સુપ્રીમ કોર્ટએ મહત્વપૂર્ણ ટિપ્પણી કરતાં જણાવ્યું કે આ નીતિ માત્ર દિલ્હીના નાગરિકો માટે મર્યાદિત રહી શકતી નથી. કોર્ટએ કહ્યું કે, એવું નથી કે દિલ્હીવાસીઓ જ દેશના ખાસ નાગરિક છે અને ફક્ત તેમના માટે જ નિયમો બનાવવામાં આવે.

મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ સ્પષ્ટ કર્યું કે જો દિલ્હી-એનસીઆર વિસ્તારના લોકોને સ્વચ્છ હવાનA અધિકાર છે તો દેશના બીજા શહેરોના નાગરિકોને પણ તે જ અધિકાર છે. કોર્ટએ કહ્યું કે જે નિયમો બનાવવામાં આવે તે દેશવ્યાપી હોવા જોઈએ.

આ ટિપ્પણી કોર્ટએ 3 એપ્રિલના તે આદેશની સુનાવણી દરમિયાન કરી જેમાં દિલ્હી-એનસીઆરમાં ફટાકડા વેચવા, રાખવા, પરિવહન અને ઉત્પાદન પર પ્રતિબંધ મૂકાયો હતો. મુખ્ય ન્યાયાધીશે ઉલ્લેખ કર્યો કે ગયા શિયાળામાં તેઓ અમૃતસર ગયા હતા, જ્યાંનું પ્રદૂષણ દિલ્હીથી પણ વધારે હતું. “જો ફટાકડા પર પ્રતિબંધ મૂકવાનો હોય તો તે આખા દેશમાં લાગુ થવો જોઈએ,” એમ કોર્ટએ જણાવ્યું.

સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ અપરાજિતા સિંહે કહ્યું કે “એલિટ વર્ગ” પોતાનું ધ્યાન પોતે રાખી શકે છે. પ્રદૂષણ વધે ત્યારે તેઓ દિલ્હી છોડીને બીજા સ્થળે જતાં રહે છે, પરંતુ રસ્તા પર કામ કરતા સામાન્ય લોકો સૌથી વધુ પ્રભાવિત થાય છે.

અગાઉ, એપ્રિલ મહિનાની સુનાવણી દરમિયાન ન્યાયમૂર્તિ અભય એસ. ઓકા અને ન્યાયમૂર્તિ ઉલ્લાસ ભુયાને નોંધ્યું હતું કે પ્રદૂષણનો સૌથી વધુ ફટકો તેઓને પડે છે જેઓ રસ્તાઓ પર કામ કરે છે, કારણ કે દરેક વ્યક્તિ પોતાના ઘરમાં અથવા ઓફિસમાં એર પ્યુરીફાયર લગાવી શકતો નથી.

સુપ્રીમ કોર્ટએ કહ્યું કે, “ગ્રીન ફટાકડા”થી ખરેખર પ્રદૂષણ ઓછું થાય છે કે નહીં તે સાબિત થયા વગર અગાઉના આદેશોમાં ફેરફાર કરવામાં નહીં આવે. કોર્ટએ વધુમાં કહ્યું કે દિલ્હીમાં “અસાધારણ પરિસ્થિતિ”ને કારણે સમયાંતરે અપાયેલા આદેશો હેઠળ ફટાકડાઓ પર પ્રતિબંધ જરૂરી હતો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code