
- સુરતના વેપારીઓ તિરંગા બનાવી 100 કરોડનો વેપાર કરશે,
- ઉત્તર પ્રદેશ સહિત તમામ રાજ્યોમાંથી તિરંગા બનાવવા મળ્યો ઓર્ડર,
- ‘હર ઘર તિરંગા‘ અભિયાનને લીધે માગમાં વધારો થયો
સુરતઃ તહેવારોની ઊજવણીને લીધે વેપાર-ઉદ્યોગમાં રોજગારી પણ વધતા હોય છે. ત્યારે સ્વાતંત્ર પર્વ 15મી ઓગસ્ટને લીધે સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે. કાપડના રાષ્ટ્રધ્વજ બનાવવાના મોટા ઓર્ડર મળ્યા છે. ટેક્સટાઊલના વેપારીઓને અંદાજે 3.50 કરોડ રાષ્ટ્રધ્વજ બનાવવાના ઓર્ડર મળતા ટેક્સટાઈલ યુનિટો રાત-દિવસ ધમધમી રહ્યા છે. હર ધર તિરંગા અભિયાનને લીધે રાષ્ટ્રધ્વજની માગમાં વધારો થયો છે. અને ઉત્તરપ્રદેશ, બિહાર, ઓરિસ્સા સહિત તમામ રાજ્યામાંથી સુરતના વેપારીઓને ઓર્ડર મળ્યા છે.
આ વર્ષે આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીને વધુ ભવ્ય બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉત્સાહ ચરમસીમા પર છે. આ અભિયાનને સફળ બનાવવા સુરતના કાપડ ઉદ્યોગનું યોગદાન અત્યંત મહત્વનું સાબિત થઈ રહ્યું છે. જેમાં સુરતના વેપારીઓને લગભગ સાડા ત્રણ કરોડ રાષ્ટ્રધ્વજ બનાવવાનો ઓર્ડર મળ્યા છે. ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગકારો માની રહ્યા છે કે, તિરંગા બનાવવાનો જે ઓર્ડર મળ્યા છે તેનાથી અંદાજે 100 કરોડનો વેપાર કાપડ ઉદ્યોગને થશે આ ઓર્ડરનો મોટો હિસ્સો સુરતના જાણીતા કાપડ એક વેપારીને મળ્યો છે. તેમને એકલાને જ એક કરોડથી વધુ વિવિધ સાઇઝના રાષ્ટ્રધ્વજ બનાવવાનો ઓર્ડર મળ્યો છે. ટેક્સટાઈલના આ વેપારી દેશના ધ્વજ નિર્માતા તરીકે ઓળખાય છે તેમની ટેક્સટાઈલ ફર્મ વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ જેવા આંતરરાષ્ટ્રીય કાર્યક્રમોમાં જોવા મળતા વિશાળ ધ્વજ બનાવવામાં નિપુણતા ધરાવે છે. તેમની કંપની ખાસ કરીને મોટી સાઈઝના ધ્વજ બનાવવામાં નિષ્ણાંત છે.
ટેક્સટાઈલના આ વેપારીના કહેવા મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનને ધ્યાનમાં રાખીને અમે રાષ્ટ્રધ્વજ બનાવવાની શરૂઆત કરી છે. અમને આ તિરંગા બનાવતી વખતે ગર્વની અનુભૂતિ થાય છે. અગાઉ રાષ્ટ્રધ્વજ મુખ્યત્વે ચીનથી આયાત કરવામાં આવતા હતા અને આજે પણ કેટલાક ધ્વજ ત્યાંથી આવી રહ્યા છે. આ વખતે નાની સાઈઝના તિરંગાની સૌથી વધુ માગ છે. ગુજરાત, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશ સરકાર તરફથી મોટો ઓર્ડર મળ્યો છે. આ ઉપરાંત દેશભરના હોલસેલ વેપારીઓએ પણ મોટા પ્રમાણમાં ઓર્ડર આપ્યો છે. હાલમાં સૌથી વધુ માગ નાની સાઈઝના તિરંગાની છે. જેમ કે, 5×3 ઈંચ અને 20×30 ઈંચ. આ નાના ધ્વજ ભેટમાં આપવા, શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ કરવા અને વાહનો તેમજ ઓફિસોમાં મૂકવા માટે લોકપ્રિય છે. જ્યારે 20×30 ફૂટ જેવા વિશાળ ધ્વજ પણ બનાવવામાં આવી રહ્યા છે. તિરંગાને વધુ યાદગાર બનાવવા માટે કેટલાક ધ્વજને ખાસ ફ્રેમ કરીને પણ આપવામાં આવી રહ્યા છે. જે તેને કાયમી યાદગીરી તરીકે સાચવી શકાય. આ પહેલ માત્ર સ્થાનિક ઉદ્યોગને વેગ આપી રહી નથી, પરંતુ ‘મેડ ઈન ઇન્ડિયા’ના સંદેશને પણ મજબૂત બનાવી રહી છે.
ફેડરેશન ઓફ ટેક્સટાઈલ સુરત ટ્રેડર્સ એસોસિએશનના ડિરેક્ટ કૈલાશ કહીમે જણાવ્યું હતું કે, આ વર્ષે સુરતને લગભગ સાડા ત્રણ કરોડ તિરંગાનો ઓર્ડર મળ્યો છે. જેના કારણે 100 કરોડ રૂપિયાનો વેપાર થઈ શકે છે. સુરતમાં લગભગ 25 જેટલા મુખ્ય ઉદ્યોગપતિઓ છે જેઓ માત્ર ઝંડા બનાવવા માટે નિષ્ણાંત તરીકે ઓળખાય છે અને તેઓની પાસે આ ઓર્ડર આવે છે.