સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશન દ્વારા વેરા વસૂલાત ઝુંબેશ છતાં 115 કરોડની ઉઘરાણી બાકી
સુરેન્દ્રનગર, 1 એપ્રિલ 2026: Surendranagar Municipality has outstanding tax collection of Rs. 115 crores શહેરની મ્યુનિ.કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ વસુલાતની ઝૂંબેશ છતાં નાણાકીય વર્ષના અંતે હજુ ૧૧૫ કરોડની ઉઘરાણી બાકી છે. મ્યુનિના ટેક્સ વિભાગ દ્વારા સમયાંતરે ઝૂબેશ ચલાવીને એક વર્ષમાં ૨૮.૮૩ કરોડનો વેરો વસૂલ્યો છે. જોકે, ઝુંબેશને પગલે, સામાન્ય રીતે થતી માસિક રૂપિયા.૨ થી ૨.૫ કરોડની આવકની સરખામણીએ માર્ચમાં વધીને રૂપિયા.૭.૨૨ કરોડ થઇ છે.
સુરેન્દ્રનગર મ્યુનિ.કોર્પોરેશનને એક વર્ષ પૂર્ણ થયું છે, પરંતુ તંત્રની તિજોરી ખાલીખમ જોવા મળી રહી છે. હાલમાં મ્યુનિ.કોર્પોરેશનનું કુલ ટેક્સ ભરણું રૂપિયા ૧૪૩ કરોડના આંકડાને પાર કરી ગયું છે. માર્ચ એન્ડિંગમાં નવા બજેટ અને વિકાસકામો માટે ફંડની તાતી જરૂરિયાત હોવાથી હવે મ્યુનિએ વિવિધ વિસ્તારોમાં ટેક્સ કલેક્શન સેન્ટરો શરૂ કર્યા છે, પરંતુ સુવિધાઓ વગરની વસૂલાત તંત્ર માટે પડકારજનક બની રહી છે. મ્યુનિ.દ્વારા માર્ચ મહિનો નજીક આવતા જ અધિકારીઓએ ૨૧ કર્મચારીઓની ૧૧ જેટલી ટીમો બનાવી મેદાનમાં ઉતારી હતી. દરેક કર્મચારીને દૈનિક રૂપિયા બે લાખનો ટેક્સ ઉઘરાવી લાવવાનો કડક ટાર્ગેટ આપવામાં આવ્યો છે. જોકે, વાસ્તવિકતા એ છે કે આટલી મોટી ફોજ છતાં ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં કુલ રૂપિયા.૨૮.૮૩ કરોડની વસૂલાત થઈ છે. જે બાકી લેણાંની સરખામણીએ ઘણી ઓછી છે. હજુ પણ ૧૧૫ કરોડનો વેરો વસૂલવાનો બાકી છે.
જોકે, મ્યુનિની ઝુંબેશને પગલે સામાન્ય રીતે માસિક રૂપિયા. ૨થી ૨.૫ કરોડની આવકની સરખામણીમાં માર્ચ-૨૦૨૬ના એક જ મહિનામાં અંદાજિત રૂપિયા. ૭.૨૨ કરોડની વસૂલાત થઈ છે. મ્યુનિના કમિશનરે વેરાના બાકીદારોને નવા વર્ષમાં વેરો ભરી દેવા તાકીદ કરી છે.


