
સીરિયાઃ બેડૉઈન આદિવાસીઓ અને સરકારી સુરક્ષા દળો વચ્ચે યુદ્ધવિરામ લાગુ
સીરિયાના સુવાયદા પ્રાંતમાં એક અઠવાડિયાની સાંપ્રદાયિક હિંસા બાદ ડ્રુઝ લડવૈયાઓ, બેડૉઈન આદિવાસીઓ અને સરકારી સુરક્ષા દળો વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયો છે.
સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના જણાવ્યા અનુસાર, આ હિંસામાં અત્યાર સુધીમાં 800 થી વધુ લોકો માર્યા ગયા છે. રાષ્ટ્રપતિ અહેમદ અલ-શરાએ 19 જુલાઈએ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. 13 જુલાઈએ દમાસ્કસ હાઇવે પર ડ્રુઝ ઉદ્યોગપતિના અપહરણ બાદ ડ્રુઝ પ્રભુત્વ ધરાવતા પ્રાંતમાં તણાવ વધ્યો હતો.
આ પછી, ઇઝરાયલે ડ્રુઝ લઘુમતીઓને બચાવવા માટે સીરિયના લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા. સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા અને યુરોપિય સંઘ સહિત આંતરરાષ્ટ્રીય સમુદાય દ્વારા યુદ્ધવિરામનું સ્વાગત કરવામાં આવ્યું છે.
ઇઝરાયલી સંરક્ષણ મંત્રી ઇઝરાયલ કાત્ઝે ચેતવણી આપી છે કે જો સીરિયાના વિવિધ જૂથો વચ્ચે એકતા નિષ્ફળ જશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.