આતંકવાદીઓ ‘ઓપરેશન સિંદૂર’નો બદલો લેવા માંગે છેઃ કેન્દ્રીય મંત્રી માંઝી
ગયા : રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા ભયાનક કાર વિસ્ફોટ બાદ રાજકીય પ્રતિક્રિયાઓનો સિલસિલો ચાલુ છે. દરમિયાન કેન્દ્રિય મંત્રી જીતન રામ માંઝીએ આ હુમલા અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, “આ હુમલો એક મોટા કાવતરાનો ભાગ છે અને આતંકવાદીઓ ‘ઓપરેશન સિંદૂર’નો બદલો લેવા માંગે છે.”
ગયા ખાતે પત્રકારો સાથે વાતચીત દરમિયાન માંઝીએ કહ્યું કે, “આતંકવાદીઓની નજર લાંબા સમયથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પર હતી. આજે તેઓ તેમની યોજના સફળતાપૂર્વક અમલમાં મૂકી શક્યા છે. આ હુમલો બદલો લેવાની માનસિકતા હેઠળ કરાયો છે.”
સોમવાર સાંજે લાલ કિલ્લા નજીક એક કારમાં વિસ્ફોટ થયો હતો, જેમાં આસપાસના કેટલાક અન્ય વાહનો અને લોકો તેની ચપેટમાં આવ્યા હતા. આ વિસ્ફોટમાં 11 લોકોના મોત થયા છે અને 29 લોકો ઘાયલ થયા છે. અચાનક થયેલા આ ધડાકાથી સમગ્ર વિસ્તારમાં ભય અને અરાજકતા ફેલાઈ ગઈ હતી.


