
અમદાવાદઃ ગુજરાતમા છેલ્લા કેટલાક સમયથી માર્ગ અકસ્માતની ઘટના વધી છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના અંબાજી-દાંતા માર્ગ પર બની છે. જેમાં એક ખાનગી લકઝરી બસ પલટી મારી જતા પાંચ લોકોથી વધુના મોતના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે 25 મુસાફરોને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. અકસ્માતની આ ઘટના અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુઃખ વ્યક્ત કર્યું હતું. સીએમ ભૂપેન્દ્ર પટેલે સત્તાવાર એકસ પર પોસ્ટ કરીને લખ્યું છે કે ‘યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂળિયા ઘાટ પાસે લક્ઝરી બસને થયેલ અકસ્માતની ઘટના અત્યંત દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના સ્વજનો પ્રત્યે સંવેદનાની લાગણી વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરું છું.’
પ્રાપ્ત માહિતી અનુસાર મુસાફરો ભરેલી લકઝરી બસ અંબાજી-દાંતા માર્ગ ઉપર પસાર થઈ રહી હતી. દરમિયાન ત્રિશુળીયા ઘાટ પાસે બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતના પગલે અંદર સવાર મુસાફરોની ચીસોથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. અકસ્માતની ઘટનાની જાણ થતા જ 108 અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી આરંભી હતી. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અક્સ્માતમાં પાંચ લોકોના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 25થી વધારે લોકોની નાની મોટી ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને 108 મારફતે વધુ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર ઘટના અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ આરંભી હતી.