
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહ્યો છે અને તેના ડિજિટલ ભવિષ્યને સશક્ત બનાવવા અને વૈશ્વિક નવીનતાને પ્રોત્સાહન આપવા માટે એક મજબૂત ઇકોસિસ્ટમ બનાવી રહ્યો છે. સોશિયલ મીડિયા સંદેશમાં મોદીએ કહ્યું, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પંજાબમાં સેમિકન્ડક્ટર યુનિટ્સને મંજૂરી આપવાના કેન્દ્રીય મંત્રીમંડળના નિર્ણયથી ઉત્પાદન ક્ષમતામાં વધારો થશે, ઉચ્ચ કૌશલ્યવાળી નોકરીઓનું સર્જન થશે અને ભારત વૈશ્વિક સપ્લાય ચેઇનમાં એક મુખ્ય નિકાસકાર તરીકે ઉભરી આવશે.
કેન્દ્રીય મંત્રીમંડળે ગઈકાલે ઓડિશા, પંજાબ અને આંધ્રપ્રદેશમાં અંદાજિત ચાર હજાર 594 કરોડ રૂપિયાના ખર્ચે ચાર નવા સેમિકન્ડક્ટર ઉત્પાદન એકમોને મંજૂરી આપી હતી. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં મંત્રીમંડળે આ નિર્ણય લીધો હતો. વૈષ્ણવે જણાવ્યું કે, સરકારે ઉત્તર પ્રદેશમાં લખનૌ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ-1B ને પણ મંજૂરી આપી છે, જેનો અંદાજિત ખર્ચ પાંચ હજાર 801 કરોડ રૂપિયાથી વધુ છે. તેમણે કહ્યું કે કુલ 12 સ્ટેશનો બનાવવામાં આવશે અને તે પાંચ વર્ષમાં પૂર્ણ થશે.