1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાલે ગુરૂવારથી થશે પ્રારંભ
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાલે ગુરૂવારથી થશે પ્રારંભ

ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાલે ગુરૂવારથી થશે પ્રારંભ

0
Social Share
  • ધો.10 અને 12ના 30 લાખ વિદ્યાર્થીઓ 1600થી વધુ કેન્દ્ર પર આપશે પરીક્ષા
  • દરેક પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવીથી મોનિટરિંગ કરાશે
  • કાલે પરીક્ષાના પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓનું તમામ કેન્દ્રો પર સ્વાગત કરાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષાનો આવતી કાલ તા. 27મી ફેબ્રુઆરીને ગુરૂવારથી પ્રારંભ થશે. બોર્ડ દ્વારા પરીક્ષાની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રાજ્યમાં આજે પરીક્ષાના તમામ કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ પોતાના વાલીઓ સાથે આવીને ક્યા વર્ગ ખંડમાં પરીક્ષા આપવાની છે, તે નિહાળવા આવ્યા હતા. પરીક્ષાર્થીઓ  શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી શકે અને માર્ગદર્શન મળી રહે તે માટે હેલ્પલાઈન નંબર પણ અગાઉથી જ જાહેર કરવામાં આવ્યો છે.

અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની સ્કૂલોના પરીક્ષા કેન્દ્રો પર તમામ આગોતરી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રોના સંચાલકોને પ્રથમ દિવસે પરીક્ષાર્થીઓનું સ્વાગત કરવાની સુચના આપવામાં આવી છે. તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. પરીક્ષાર્થીઓ શાંતિથી પરીક્ષા આપી શકે એવું આયોજન કરવામાં આવ્યું છે. તમામ પરીક્ષા ખંડ સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યા છે. દરેક કેન્દ્ર પરના CCTVને મોનિટર કરવા એક વ્યક્તિ પરીક્ષા સમયે સતત નજર રાખશે.

ગુજરાતમાં કાલે ગુરૂવારથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષા કુલ 14.30 લાખ વિદ્યાર્થીઓ આપશે. જેમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષા 989 કેન્દ્ર પર જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 520 તથા વિજ્ઞાન પ્રવાહમાં 152 કેન્દ્ર પર પરીક્ષા લેવાશે. આ વર્ષે ધોરણ 10માં રાજ્યભરમાંથી કુલ 8,92,882 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાંથી 4258 વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે. આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે આ વર્ષે 4,23,909 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાંથી 1,822 વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં આ વર્ષે 1,11,384 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં 144 વિદ્યાર્થીઓ દિવ્યાંગ છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  સ્ટેટ કંટ્રોલરૂમ પરીક્ષાના બે દિવસ અગાઉ જ કાર્યરત કરવામાં આવ્યો છે. જે 24 કલાક સેવા આપશે. આ ઉપરાંત અધિકારી સ્ટાફ સિવાય કોઇને પણ પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ આપવામાં આવશે નહીં. પરીક્ષા કેન્દ્રની આસપાસ ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક સમયથી વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પેપર લીકની ઘટનાઓ સામે આવી છે. જેને ધ્યાનમાં રાખીને બોર્ડની પરીક્ષામાં આ પ્રકારના છમકલા ન થાય તે માટે સીલ બંધ કરવમાં પરીક્ષા શરૂ થવાની 15 મિનિટ પહેલાં જ સીસીટીવી કેમેરાની હાજરીમાં જ સીલ ખોલવામાં આવશે. ત્યાર બાદ તમામ કેન્દ્ર પર એટલે કે, તમામ સ્કૂલોમાં જે વિષયની બોર્ડની પરીક્ષા હોય તે વિષયના શિક્ષકને ફરજમાંથી મુક્તિ આપવાની રહેશે. ગેરરીતિ રોકવા માટે દરેક વિદ્યાર્થીએ પ્રશ્નપત્ર પર ફરજિયાત પણ બેઠક ક્રમાંક લખવાનો રહેશે. જો તેમ નહીં કરવામાં આવ્યું હોય તો ખંડ નિરીક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે.

અમદાવાદ શહેરમાં 69 અને ગ્રામ્યમાં 67 કેન્દ્ર પર પરીક્ષા લેવાશે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર મળીને કુલ 1,65,986 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે. ધોરણ 10માં અમદાવાદ શહેર વિસ્તારમાં 54,616 જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ધોરણ 10માં 46,020 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં શહેરી વિસ્તારમાં 29,726 અને ગ્રામ્ય વિસ્તારમાં 21,840 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ ઉપરાંત વિજ્ઞાન પ્રવાહમાં શહેરી વિસ્તારમાં 7,853 અને ગ્રામ્ય વિસ્તારમાં 5400 વિદ્યાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપશે. અમદાવાદ શહેરમાં 69 જ્યારે અમદાવાદ ગ્રામ્યમાં 67 કેન્દ્ર પર બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code