1. Home
  2. ગુજરાતી
  3. મુંબઈમાં પ્રથમ રેખ્તા ગુજરાતી ઉત્સવે પ્રેક્ષકોનાં મન મોહી લીધાં
મુંબઈમાં પ્રથમ રેખ્તા ગુજરાતી ઉત્સવે પ્રેક્ષકોનાં મન મોહી લીધાં

મુંબઈમાં પ્રથમ રેખ્તા ગુજરાતી ઉત્સવે પ્રેક્ષકોનાં મન મોહી લીધાં

0
Social Share

મુંબઈ: લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થા રેખ્તા ફાઉન્ડેશને મુંબઈમાં શનિવારે એનો પ્રથમ ગુજરાતી કાર્યક્રમ ‘ગુજરાતી ઉત્સવ’ યોજ્યો હતો. ચોપાટી સ્થિત ભારતીય વિદ્યા ભવનમાં, ખીચોખીચ સભાગૃહમાં, મહાનુભાવોની ઉપસ્થિતિમાં એમાં મુશાયરામાં ગઝલ-ગીતની તો સંગીતસંધ્યામાં વૈવિધ્યસભર ગીત-સંગીતની મહેફિલ જામી હતી. કાર્યક્રમ પહેલાં સભાગૃહમાં પ્રવેશ માટે પ્રેક્ષકોની લાંબી કતારો જોવા મળી હતી. સમયસર શરૂ થયેલા કાર્યક્રમમાં પ્રેક્ષકો પહેલી ક્ષણથી ઓતપ્રોત થઈ ગયા હતા. યોગાનુંયોગે, મુંબઈમાં રેખ્તા ગુજરાતીના પ્રથમ કાર્યક્રમના દિવસે સ્વર્ગસ્થ પદ્મશ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના અવસાનને એક મહિનો થયો હતો. તેઓને યાદ કરતાં સંસ્થાએ ઉત્સવ એમને સમર્પિત કર્યો હતો.

રેખ્તા ફાઉન્ડેશનના સલાહકાર અને સંપાદક ઉદયન ઠક્કરે અતિથિઓનું સ્વાગત કર્યું હતું. કાર્યક્રમ મુખ્ય મહેમાન સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા તુષાર મહેતા તો અતિથિ વિશેષ, રાજ્યસભાના સંસદસભ્ય અને રિલાયન્સ ગ્રુપ ઑફ ઇન્ડસ્ટ્રીઝના ડિરેક્ટર (કૉર્પોરેટ અફેર્સ) પરિમલ નથવાણી હતા. જાણીતાં અભિનેત્રી સરિતા  જોશીએ ગુજરાતી ભાષાવૈભવને બિરદાવતી પંક્તિઓ રજૂ કરવા સાથે આપણી ભાષાસમૃદ્ધિ અને ગરિમાને વંદન કર્યાં હતાં. તેઓએ રેખ્તા ગુજરાતીનાં કાર્યોની મુક્ત કંઠે સરાહના કરી હતી. તેઓએ પુરુષોત્તમભાઈએ સ્વરબદ્ધ કરેલી અને લતા મંગેશકરે ગાયેલા ગીત, નહીં બોલું રેની પંક્તિઓ પણ રજૂ કરી હતી.

રેખ્તાના સ્થાપક સંજીવ સરાફે રેખ્તા ગુજરાતીની પૂર્વભૂમિકા અને એના ઉદ્દેશોની વાત કરતાં જણાવ્યું હતું, “બાર વરસ પહેલાં અમે ઉર્દૂ ભાષા અને સાહિત્ય માટે રેખ્તાની શરૂઆત કરી હતી. આજે રેખ્તા ભાષાવિકાસ માટે આંદોલન બન્યું છે. આ સફળતાએ અમને પ્રોત્સાહિત કર્યા કે અન્ય ભારતીય ભાષાઓ માટે કાર્ય કરીએ. એથી અમે સૂફી પરંપરાની અને, હિન્દી અને રાજસ્થાની ભાષાની વેબલાઇટ કરી. રેખ્તા ગુજરાતી પણ આ દિશામાં જ એક પગલું છે. તુષારભાઈ મહેતાના ગુજરાતી ભાષા-સાહિત્યના લગાવ અને પ્રોત્સાહનને કારણે અમે શરૂઆત કરી શક્યા છીએ. અમારો પ્રયાસ છે કે અમે ગુજરાતી ભાષા-સાહિત્યને નગરેનગરે પહોંચાડીએ.” એક વરસથી પણ ઓછા સમયમાં રેખ્તા ગુજરાતીએ એનું સ્થાન સુદ્રઢ બનાવ્યું છે એની પણ તેઓએ નોંધ લીધી હતી.

તુષાર મહેતાએ મુંબઈને ગુજરાતી સાહિત્યની અસલી રાજધાનીની ઉપમા આપી હતી. તેઓએ રેખ્તાના ઉદ્દેશની વાતો મમળાવી હતી. સાથે, ગુજરાતી ભાષાને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચાડવા રેખ્તાનાં કાર્યોની મહત્તા નોંધી હતી. તેઓએ કહ્યું હતું, “આપણે કદાચ નવી પેઢીને ગુજરાતી વાંચતા અને લખતા શીખવ્યું પણ માણતા શીખવવાનું ભૂલી ગયા છીએ. એ અવકાશ પૂરવાનું કામ રેખ્તા કરી રહ્યું છે. એ શીખવવા માટે રેખ્તા વિશ્વનું શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. શેક્સપિયર અને તુલસીદાસ સાંપ્રત હતા છતાં, એકને આખી દુનિયા ઓળખે છે અને તુલસીદાસને માત્ર મર્યાદિત લોકો. બંગાળી સાહિત્યકાર શરદબાબુને પણ દુનિયા ઓળખે છે પણ આપણા શ્રેષ્ઠ સાહિત્યસર્જકોને નહીં. આપણા સર્વોત્તમ સાહિત્યનો પણ ઉત્તમ અનુવાદ થયો હોત તો આજે નર્મદને આખી દુનિયા ઓળખતી હોત. આપણે જે કરવામાં નિષ્ફળ ગયા છીએ એ કાર્ય કરવાને રેખ્તા સક્ષમ પણ છે અને સચોટ મંચ પણ.  નર્મદને નવી પેઢી સુધી લઈ જવાની સેવા રેખ્તા કરી રહ્યું છે.”

કાર્યક્રમના પૂર્વાર્ધમાં એ પછી મુશાયરો યોજાયો હતો. એમાં રાજેશ વ્યાસ ‘મિસ્કિન’, ભાવેશ ભટ્ટ, કૃષ્ણ દવે, હેમેન શાહ, સંજુ વાળા, મુકેશ જોશી અને હર્ષવી પટેલ જેવી પ્રતિભાઓએ પ્રેક્ષકોને ગઝલ-ગીતની અસરકારક રજૂઆતથી અભિભૂત કર્યા હતા. સર્જકોની ચૂંટેલી પંક્તિઓ આ અખબારી યાદીના અંતે આપી છે. મધ્યાંતર પછી પ્રફુલ દવે અને હાર્દિક દવેએ ગુજરાતી ગીત-સંગીતની રજૂઆતથી અલગ વિશ્વ સર્જ્યું હતું. એમાં જાણીતાં ગીતો સહિત ઓછાં જાણીતાં પણ અજરામર ગીતોની પેશકશ કરવામાં આવી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code