અમદાવાદ, 10 એપ્રિલ 2026: Facebook friend girl defrauded 24.40 lakhs શહેરમાં એક સિનિયર સિટિઝને ફેસબુક પર એક યુવતીના રિકવેસ્ટ સ્વીકારીને મિત્રતા કેળવી હતી. દરમિયાન યુવતીએ સિનિયર સિટિઝન એવા વૃદ્ધને વિશ્વાસમાં લઈને ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું કહીને વૃદ્ધ પાસેથી ટુકડે-ટુકડે 24.40 લાખ રૂપિયા પડાવ્યા હતા. ત્યારબાદ યુવતીએ વૃદ્ધનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. વૃદ્ધને પૈસા પરત ન મળતા વૃદ્ધે છેતરપિંડી મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.
આ બનાવની વિગત એવી છે કે, શહેરના શાહપુરમાં રહેતા 62 વર્ષીય સિનિયર સિટિઝન ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. સિનિયર સિટિઝન નિયમિત રીતે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો વપરાશ કરે છે. 29 ઓગસ્ટ, 2025ના રોજ ફેસબુક પર એક અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે એક્સેપ્ટ કરીને વૃદ્ધ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ બાદ યુવતીએ વૃદ્ધને મોબાઈલ નંબર આપ્યો હતો અને બંને વ્હોટ્સએપ પર મેસેજથી સાથે વાત કરતા હતા. આ દરમિયાન યુવતીએ વૃદ્ધને ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું જણાવ્યું હતું. વૃદ્ધ યુવતીની વાતોમાં આવી ગયા હતા. અને સારા નફાની લાલચમાં રોકાણ કરવા તૈયાર થયા હતા.
સિનિયર સિટિઝને યુવતીએ મોકલેલી લીંક પર રજિસ્ટ્રેશન કરાવી બેંકની વિગત આપીને વૃદ્ધે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. બે મહિનામાં 24.40 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણ કર્યા બાદ પૈસા પરત માંગતા યુવતીનો ફોન બંધ આવતો હતો અને કોઈ જવાબ પણ મળતો નહોતો. જેથી વૃદ્ધને તેમના સાથે થયેલી ઠગાઈની જાણ થઈ હતી. સમગ્ર મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.


