અગ્નિવીરો માટે સરકારે લીધો મોટો નિર્ણય, તેમને મળશે સરકારી નોકરીઓમાં અનામત
નવી દિલ્હીઃ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રીના નેતૃત્વમાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યની સમાન સેવાઓમાં પૂર્વ અગ્નિવીરો માટે 10 ટકા અનામતને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ અગ્નિવીરો માટે પોલીસ, ફોરેસ્ટ ગાર્ડ, ફાયર સર્વિસ અને એક્સાઇઝ વિભાગમાં 10 ટકા જગ્યાઓ અનામત રાખવાની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત અન્ય બે દરખાસ્તોને પણ મંજૂરી આપવામાં આવી છે. રાજ્યના મુખ્ય સચિવ મનોજ આહુજાએ લોક સેવા ભવનમાં કેબિનેટની બેઠક બાદ આ નિર્ણયો વિશે માહિતી આપી હતી.
મુખ્ય સચિવ મનોજ આહુજાએ જાણકારી આપતા જણાવ્યું કે તેનો ઉદ્દેશ્ય રાજ્યમાં તમામ ગ્રુપ ‘C’ અને ‘D’ પોસ્ટ્સને આવરી લેતી સમાન સેવાઓમાં પૂર્વ અગ્નિવીરોને નોકરીની તકો પૂરી પાડવાનો છે. સાથે પૂર્વ સૈનિકો માટે હાલના અનામત લાભો ઉપરાંત આ 10 ટકા આરક્ષણ આપવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે અગ્નિવીર ચાર વર્ષ સુધી સેનામાં રહે છે. તેમની પાસે તમામ જરૂરી તાલીમ છે. 4 વર્ષ પૂરા થયા પછી માત્ર થોડા જ લોકોને એક્સટેન્શન મળે છે. પણ હવે ઓડિશા આ અગ્નિવીરોને સમાન સેવાઓમાં 10 ટકા અનામત આપશે.
• ન્યૂનતમ લાયકાત પૂરી કરવી આવશ્યક
વધુ માહિતી આપતાં મુખ્ય સચિવ મનોજ આહુજાએ જણાવ્યું કે ઓડિશામાં પોલીસ ભરતી માટે અગ્નિવીરોએ લઘુત્તમ લાયકાત પૂરી કરવી પડશે. જો કે, તેમને ફિઝિકલ ટેસ્ટમાંથી છૂટ આપવામાં આવશે અને ઉપલી વય મર્યાદામાં ત્રણ વર્ષની છૂટછાટ મળશે. તે જ સમયે, હવે સરકારી કર્મચારીના મૃત્યુના કિસ્સામાં, કર્મચારીની પુત્રીને પણ નોકરી મળશે. પણ છોકરી અપરિણીત હોવી જોઈએ. કેબિનેટની બેઠકમાં ગોપાલપુર પોર્ટની માલિકી ટ્રાન્સફર કરવા અને સુધારેલા કન્સેશન એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે.