
કોંગ્રેસ અને મલિલ્કાર્જન ખડગેની માનસિકતા સનાતન વિરુદ્ધનીઃ હિમંતા સરમા બિસ્વા
લખનૌઃ પ્રયાગરાજના સંગમમાં ભાજપ નેતાઓના પવિત્ર સ્નાન પરની ટિપ્પણી કરનાર કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉપર આસામના સીએમ હિમંતા સરમા બિસ્વાએ આકરા પ્રહાર કર્યાં છે. સીએમ શર્માએ કહ્યું કે તેમનું નિવેદન સનાતન વિરુદ્ધની માનસિકતા દર્શાવે છે. તેમણે આત્મનિરીક્ષણ કરવું જોઈએ અને પોતાનું વલણ નક્કી કરવું જોઈએ.
આસામના સીએમ હિમંતા બિસ્વા શર્માએ કહ્યું કે, મહાકુંભ પર કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સનાતન ધર્મ વિરુદ્ધ તેમની માનસિકતા દર્શાવે છે. મારું માનવું છે કે રાહુલ ગાંધીના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ પાર્ટીનું આ સત્તાવાર વલણ છે. હું તેમને પૂછવા માંગુ છું કે 2001 માં, સોનિયા ગાંધીએ પોતે કુંભ દરમિયાન પવિત્ર સ્નાન કર્યું હતું. શું તે એવું કહેવાની હિંમત કરશે કે હજ પર જવાથી ભૂખમરો અને ગરીબી જેવી સમસ્યાઓનો ઉકેલ નહીં આવે?
તેમણે કહ્યું કે કોંગ્રેસ સાથે જોડાયેલા તમામ હિન્દુ નેતાઓ માટે આ સમય આત્મનિરીક્ષણ કરવાનો અને પોતાનું વલણ નક્કી કરવાનો છે. ફક્ત સત્તા અને પદ માટે તમારા વિશ્વાસ, તમારા ધર્મ કે આ દેશના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા સાથે સમાધાન ન કરો. કોઈ નેતા, કોઈ વિચારધારા અને કોઈ પક્ષ તમારા ધર્મ અને માન્યતાથી ઉપર ન હોવો જોઈએ. સનાતન ધર્મ હજારો વર્ષોથી સમયની કસોટી પર ખરો ઉતર્યો છે. રાજકીય લાભ માટે તેના સારને નબળી પાડશો નહીં. તમારા અંતરાત્માનું પાલન કરો.