1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિક્ષણનો અંતિમ હેતુ રાષ્ટ્ર નિર્માણનો હોવો જોઇએ : રાજ્યપાલ
શિક્ષણનો અંતિમ હેતુ રાષ્ટ્ર નિર્માણનો હોવો જોઇએ : રાજ્યપાલ

શિક્ષણનો અંતિમ હેતુ રાષ્ટ્ર નિર્માણનો હોવો જોઇએ : રાજ્યપાલ

0
Social Share
  • વાઘોડિયા સ્થિત ડૉ. એન. જી. શાહ સાર્વજનિક હાઇસ્કૂલનો અમૃત મહોત્સવ
  • રાજ્યપાલએ છાત્રોને સદ્દવિદ્યા અને પ્રાકૃતિક કૃષિનો બોધ આપ્યો હતો
  • વિદ્યાનું અનોખું મહત્વ રહ્યું છેકોઇ પણ વ્યક્તિનું સાચું ધન વિદ્યા અને જ્ઞાન છે

અમદાવાદઃ રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ વડોદરા જિલ્લાના વાઘોડિયા સ્થિત શૈક્ષણિક સંસ્થા ડૉ. એન. જી. શાહ સાર્વજનિક હાઇસ્કૂલના અમૃત મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે. આ સંસ્થાને 75 વર્ષ પૂર્ણ થવાના અવસરના ઉપલક્ષ્યમાં એક વર્ષ સુધી થનારી ઉજવણીના પ્રારંભે રાજ્યપાલએ છાત્રોને સદ્દવિદ્યા અને પ્રાકૃતિક કૃષિનો બોધ આપ્યો હતો.

આ પ્રસંગે રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, ભારતની પ્રાચીન પરંપરામાં વિદ્યાનું અનોખું મહત્વ રહ્યું છે. કોઇ પણ વ્યક્તિનું સાચું ધન વિદ્યા અને જ્ઞાન છે. આ ધન ચોરી શકાતું નથી. તે વાપરવાથી વધે છે. તેનો મસ્તિષ્ક ઉપર ભાર પણ લાગતો નથી.

સંસ્કૃતિના વિવિધ સુભાષિતોનો ઉલ્લેખ કરી   આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, વિદ્યાથી વિનય આવે છે, વિનયથી સરળતા આવે છે. સરળતાથી પાત્રતા આવે છે. પાત્રતાથી ધન આવે છે અને ધનથી ધર્મ આવે છે. જીવનનું અંતિમ લક્ષ્ય ધર્મ હોવો જોઇએ. ધર્મથી જીવનમાં સુખ અને શાંતિ આવે છે. વિદ્યા એ જીવનની સાચી મૂડી છે.

છાત્રોને શીખ આપતાં રાજ્યપાલએ કહ્યું કે, વિદ્યા એ એવું દાન છે, જેનો જેટલો ખર્ચ કરીએ એટલી તેમાં વૃદ્ધિ થાય છે. સુશિક્ષિત બાળક પરિવારનું ભવિષ્ય સુધારી શકે છે. પરિવારનું ભવિષ્ય બદલતા સમાજમાં પરિવર્તન આવે છે. સામાજિક પરિવર્તનથી ગામ કે શહેરમાં બદલાવ આવે છે અને ગામમાં આવેલા પરિવર્તનથી રાષ્ટ્રનું નિર્માણ છે. શિક્ષણનો હેતું રાષ્ટ્ર નિર્માણનો હોવો જોઇએ.

રાજ્યપાલએ મોબાઇલ ફોનના અવિવેકપૂર્ણ ઉપયોગ બાબતે પણ ટકોર કરી હતી. આ બાબતે તેમણે કહ્યું કે, બાળકોએ તેમના અભ્યાસકાળ દરમિયાન મોબાઇલ અને ટેલિવિઝનની ફિલ્મી ભ્રામક દુનિયાથી દૂર રહેવું જોઇએ. છાત્રકાળમાં બાળકનો મોટો સમય ટીવી અને મોબાઇલમાં જતો રહેતો હોવાથી અભ્યાસ ઉપર તેની માઠી અસર પડે છે. બાળકોએ મોબાઇલ અને ટીવીનું વળગણ છોડવું જોઇએ.

એક શિક્ષક તરીકેના પોતાના અનુભવો વર્ણવતાં તેમણે કહ્યું કે, ધોરણ આઠથી દસના અભ્યાસ દરમિયાન બાળકોમાં ઘણા શારીરિક અને માનસિક પરિવર્તન આવે છે. આવી કિશોરાવસ્થામાં દિલથી નિર્ણયો લેવાના બદલે બુદ્ધિયુક્ત નિર્ણયો લેવા જોઇએ. ફિલ્મોમાં જે દિલની વાતો કરે છે, એનાથી ભ્રમિત થવાને બદલે બુદ્ધિયુક્ત નિર્ણયો લેવાથી જીવનમાં સુખાકારી આવે છે અને કલ્યાણકારી બને છે. બાળકોએ તેમના માતાપિતા કે શિક્ષકો સાથે મુક્ત મને ચર્ચા કરવી જોઇએ. આ ચર્ચા થકી જ બાળકોને તેમના પ્રશ્નોનું સમાધાન મળશે. રાજ્યપાલએ બાળકોને જન્ક ફૂડને બદલે આરોગ્યપ્રદ અને પોષણયુક્ત આહાર ગ્રહણ કરવાની સલાહ આપી હતી.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code