Homeગુજરાતીગુજરાતસરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરાશે

સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરાશે

ગાંધીનગર, 26 ઓગસ્ટ, 2026 : The use of plastic folders and files in government offices will be phased out ગુજરાત સરકારે ટકાઉ અને પર્યાવરણલક્ષી કાર્યપ્રણાલીને વેગ આપવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવેથી રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવાના નિર્ણય અંગે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.

ભારત સરકારના ‘પર્યાવરણ (સંરક્ષણ) અધિનિયમ, ૧૯૮૬’ અને ‘પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ, ૨૦૧૬’ અંતર્ગત પર્યાવરણને નુકસાન પહોંચાડતા સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડવાના ભાગરૂપે રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિક-આધારિત સ્ટેશનરીનો તબક્કાવાર ઉપયોગ ઘટાડવામાં આવશે.

આ નિર્ણય સચિવાલયના તમામ વિભાગો, ખાતાના વડાની કચેરીઓ, જાહેર સાહસો, નિગમો, મંડળો, સ્વાયત્ત સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, સરકારી યુનિવર્સિટીઓ તેમજ ગ્રાન્ટ-ઈન-એઈડ સહિતની તમામ સંસ્થાઓને લાગુ પડશે. દૈનિક કામગીરીમાં વપરાતા પ્લાસ્ટિકના ફોલ્ડર અને ફાઈલોના સ્થાને હવે કાગળ, શણ અથવા કાપડમાંથી બનેલા ઈકો-ફ્રેન્ડલી અને ટકાઉ ફાઈલ કવરનો ઉપયોગ કરવામાં આવશે.

હાલમાં કચેરીઓમાં ઉપલબ્ધ પ્લાસ્ટિક સ્ટેશનરીનો સ્ટોક પૂર્ણ થયા બાદ નવી તમામ ખરીદી આ પર્યાવરણીય દિશાનિર્દેશો મુજબ જ કરવાની રહેશે. ‘સ્વચ્છ ભારત મિશન’ અને પર્યાવરણ જતન પ્રત્યેની પોતાની કટિબદ્ધતા દર્શાવતા રાજ્ય સરકારે આ પહેલ દ્વારા સરકારી વહીવટમાં પ્લાસ્ટિકમુક્ત કાર્યસંસ્કૃતિ સ્થાપિત કરવાનો સંકલ્પ કર્યો છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular