- જ્વેલર્સની બાજુમાં આવેલી દૂકાનદારે દેવું થઈ જતાં બાકોરૂ પાડીને ચોરી કરી હતી,
- પાડોશી દૂકાનદાર રાજસ્થાન પહોંચે તે પહેલા જ અમદાવાદથી ઝડપી લેવાયો,
- પાડોશી દુકાનદારને 5 લાખનું દેવું થઈ જતાં ચોરીનો પ્લાન બનાવ્યો હતો,
સુરતઃ શહેરના પૂણા વિસ્તારમાં પરવટ પાટિયા નજીક આવેલા સુરભી કોમ્પ્લેક્ષમાં આવેલી ભાવના જ્વેલર્સમાં ગઈ તા. 23 નવેમ્બરની રાતે ત્રાટકેલા તસ્કરે દીવાલમાં બાકોરૂ પાડી સ્ટ્રોંગ રૂમમાં મુકેલી તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આરોપી નિષ્ફળ જતા ચાંદીના 1.310 કિલોગ્રામ વજનના દાગીના કિંમત રૂ. 1.96 લાખની મત્તા ચોરીને ભાગી ગયો હતો. જો કે, સીસીટીવી ફૂટેજમાં તસ્કરો બીજું કોઈ નહીં, પણ જ્વેલર્સની બાજુમાં આવેલા પડોશી દુકાનદારે 5 લાખનું દેવું થતા પોતાની અને બાજુની ફૂટવેરની દુકાનની દીવાલમાં બાકોરૂ પાડી ચોરી કરી હતી, પોલીસે ચોરીનો ભેદ ઉકેલી દીધો છે. અને આરોપી રાજસ્થાન પહોંચે તે પહેલાં જ અમદાવાદમાં પોલીસનાં ચેકિંગ દરમિયાન પરકાઈ ગયો હતો.
આ બનાવની વિગત એવી હતી કે, શહેરના પૂણા વિસ્તારમાં પરવટ પાટિયા સ્થિત સુરભી કોમ્પ્લેક્ષમાં દુકાન નં.11માં ભાવના જ્વેલર્સના માલિક થાનારામ મોટારામ ચૌધરી (ઉં.વ. 50 રહે. માઁ કૃપા એપાર્ટમેન્ટ, ઠાકુર નગર સોસાયટી, પરવટ ગામ અને મૂળ. પિચાવા, તા. સુમેરપુર, પાલી, રાજસ્થાન) 24 નવેમ્બરના સવારે ભત્રીજા હેમારામ ચૌધરી સાથે રાબેતા મુજબ દુકાને ગયા હતા. શટર ખોલી અંદર પ્રવેશી તિજોરીવાલા રૂમનો દરવાજો ખોલવા જતા દરવાજો ખુલ્લો હોવાથી ચોંકી ગયા હતાં. તિજોરી ઉપર નજર કરતા કોઈકે તોડવાનો પ્રયાસ કર્યાનું જણાયું હતું. આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા બાજુની દુકાનની દીવાલમાં બાકોરૂ પાડીને તસ્કરે જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ કર્યો હતો. એટલે પાડોશી દુકાનદાર પર શક જતા પોલીસે તુરંત જ ટેકનીકલ સર્વેલન્સના આધારે પાડોશી દુકાનદાર લાખસિંહનું પગેરૂ મેળવવાની કવાયત કરતા તે બસમાં બેસી વતન રાજસ્થાન તરફ જઈ રહ્યો હોવાનું જાણવા મળતા અમદાવાદની દરિયાપુર પોલીસની મદદ લઇ તેને ઝડપી પાડયો હતો. આ અંગે પુણા પોલીસે લાખસિંહનો કબજો મેળવી સુરત લઈ આવી છે. આરોપીની પૂછપરછમાં તેણે કબૂલ્યું કે, 5 લાખનું દેવું થઈ જતા ચોરી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ લાખસિંહ ઉર્ફે લક્ષ્મણસિંહે ચાર મહિના પહેલાં ભાવના જવેલર્સથી ત્રીજી દુકાન ભાડે રાખી કપડાની દુકાન શરૂ કરી હતી. ચાર મહિના બાદ આ બે દુકાનોની વચ્ચે આવેલી બૂટની દુકાન ચાર દિવસથી બંધ હોવાથી તે જવેલર્સની દુકાન બંધ રહે તેની રાહ જોતો હતો. આ મોકો છેક તેને 23 નવેમ્બરની રાતે મળ્યો હતો. રવિવારે રાત્રે સાડા આઠ વાગ્યે ભાવના જવેલર્સ બંધ થતાં જ લાખસિંહે પહેલાં પોતાની અને બૂટની દુકાન વચ્ચેની અને બાદમાં બૂટની દુકાન અને જ્વેલરી શોપ તરફની દિવાલમાં બાકોરું પાડયું હતું. કાઉન્ટર પર પડેલાં દાગીના તેણે ચોરી લીધા હતા, પરંતુ જેમાં સોનાના અને મોંઘા દાગીના હતા તે તિજોરી તૂટી ન હતી. રાત્રે 11.58 વાગ્યે આવતો અને 32 મિનિટ બાદ જતો આ ચોર જ્વેલરી શોપના સીસીટીવીમાં દેખાઇ આવ્યો હતો. ચાર મહિનાની પ્લાનિંગ બાદ પણ ધાર્યા કરતાં વધુ માલ મળ્યો ન હતો, પરંતુ જેટલો માલ મળ્યો તે લઇ લાખસિંહ રાજસ્થાન જવાના ઇરાદે બસમાં બેસી ગયો હતો. અમદાવાદમાં દરિયાપુર પોલીસે પ્રેમ દરવાજા પાસે ચેકિંગ કરતાં તેની બેગમાંથી દાગીના મળી આવતાં તેને દબોચી લીધો હતો. એક જ સેકન્ડમાં તેણે મહિનાઓથી કરેલી પ્લાનિંગ ખરાબ નસીબને કારણે પડી ભાંગી હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં જ તેણે ગુનો કબુલી લીધો હતો.


