
ભારત-પાકિસ્તાન વચ્ચે સિઝફાયર અંગે કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી
નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે શનિવારે બંને દેશ વચ્ચે યુદ્ધ વિરામની સહમતિ સંધાઈ હતી. જો કે, અમેરિકાના પ્રયાસોને કારણે આ સહમતિ સંધાઈ હોવાનો ટ્રમ્પે દાવો કર્યો હતો. જો કે, ભારત સરકારે તમામ દાવાઓને ફગાવી દીધા હતા. તેમજ કહ્યું હતું કે, સિઝફાયરમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. ભારત સરકારે પોતાની શરતોને આધારે આ સિઝફાયર કર્યાનું જાણવા મળે છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વિદેશ મંત્રી માર્કો રુબિયોએ કહ્યું કે આ કરાર અમેરિકાની મધ્યસ્થીથી થયો છે. પરંતુ ભારતે તેને નકારી કાઢ્યું અને કહ્યું કે આ નિર્ણય બંને દેશો વચ્ચે સીધી વાતચીત દ્વારા લેવામાં આવ્યો છે અને તેમાં કોઈ ત્રીજા પક્ષની ભૂમિકા નથી. વિદેશ મંત્રી એસ. જયશંકરે કહ્યું કે ભારત આતંકવાદ સામે પોતાની કડક નીતિ જાળવી રાખે છે અને આમાં કોઈ સમાધાન કરવામાં આવશે નહીં. ભારતે એ પણ સ્પષ્ટ કર્યું કે પાકિસ્તાન સામે પહેલાથી જ અમલમાં રહેલા કડક પગલાં, જેમ કે સિંધુ જળ સંધિને સ્થગિત કરવી, અટારી સરહદ બંધ કરવી અને રાજદ્વારી સંબંધો ઘટાડવા, ચાલુ રહેશે.