- માંગરોળના આકળોદ ગામની સીમમાં 20થી વધુ થાંભલા પર વીજ વાયરોની ચોરી,
- વીજ વાયરો કાપી નાંખતા રવિ સીઝન ટાણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા,
- ખેડૂતોએ વીજ વાયરોની ચોરીની વીજળી કંપનીને જાણ કરી
સુરતઃ જિલ્લાના માંગરોળ તાલુકાના આકળોદ ગીજરમ ગામની સીમમાંથી 20થી વધુ વીજપોલ પરથી વીજળીના વાયરો કાપીને તસ્કરો ઉઠાવી ગયા છે. વીજળીના ચાલુ વીજ લાઈન પરથી વીજ વાયરો કાપીને ચોરી કરવામાં આવી હતી. હાલ રવિ સીઝન ચાલી રહી છે. ત્યારે જ વીજપોલ પરથી વાયરનો ચોરી થતાં વીજ પૂરવઠો બંધ થયો છે, જેના કારણે ખેડૂતોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. સમગ્ર મામલે ખેડૂતોએ વીજ કંપનીને ફરિયાદ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માગ કરી છે.
આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના આકળોદ ગીજરમ ગામની સીમ વિસ્તારમાંથી તસ્કરો દ્વારા અંદાજે 20થી વધુ થાભલાઓ પરથી વીજતાર કાપીને ચોરી કરવામાં આવી હતી. ચોર ટોળકીએ વીજ થાંભલાઓ પરથી વીજ પ્રવાહ ચાલુ હોવા છતાં વીજ વાયરો કાપીને ચોરી કરી હતી. એટલે ચોર વીજકામના જાણકાર હોવા જોઈએ. અને વાયરો લઈ જવા માટે કોઈ વાહનનો ઉપયોગ કરાયો હતો. રવિ સીઝનના ટાણે વીજ વાયરોની ચોરીથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
.ખેડૂતોનું કહેવું છે કે, વીજપોલ પરથી વાયરો કાપવાની ઘટના વધી રહી છે. થોડા દિવસ પહેલા લવેટ મોટી ફળી રોડ પરથી પણ વીજતારની ચોરી થઈ હતી. વીજ વાયરની ચોરીની ઘટના અંગે વીજ કંપનીને જાણ કરવામાં આવી છે.


