સુરત, 8 ફેબ્રુઆરી 2026, શહેરમાં પોલીસ કમિશનરના પીએ તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અક્ષયકૂમાર આહિર રાત્રે કાર લઈને ઘર તરફ જતા હતા ત્યારે લકઝરી બસને લીધે ટ્રાફિક જામ થયેલો જોતા કાર ઊભી રાખીને ટ્રાફિક ક્લીયર કરાવવતા જતા ત્રણ શખસોએ ઝગડો કરીને અક્ષયકૂમારને માર માર્યો હતો. આ ઘટનાને પગલે સમગ્ર પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. જોકે, કાપોદ્રા પોલીસે ગણતરીના કલાકોમાં જ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ હુમલામાં સામેલ ત્રણેય મુખ્ય આરોપીઓને દબોચી લીધા છે.
ઘટનાની ગંભીરતાને જોતા કાપોદ્રા પોલીસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ન્યુ કતારગામ વિસ્તારમાં આવેલા એચ.બી.કે. કોમ્પ્લેક્સમાં દરોડા પાડવામાં આવ્યા હતા. અહીં એક બંધ દુકાનમાં છુપાયેલા ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસ હવે આ કેસમાં કાયદેસરની કાર્યવાહી કરી રહી છે અને ટૂંક સમયમાં આરોપીઓની ઓળખ પરેડ પણ કરાશે.
આ સમગ્ર ઘટનાનો મુખ્ય સૂત્રધાર દિવ્યેશ કસાલા હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં ખુલાસો થયો છે કે દિવ્યેશ પોતાની કારમાં ભારતીય જનતા પાર્ટી (BJP) નો ખેસ રાખતો હતો. તે માત્ર પોલીસના ચેકિંગથી બચવા અને રોફ જમાવવા માટે પોતાની કારમાં ભાજપના ખેસનો ઉપયોગ કરતો હતો. આ બાબતે પોલીસે સ્પષ્ટતા કરી છે કે ગુનેગારો આવા પ્રતિકોનો ઉપયોગ કરીને કાયદાથી બચી શકશે નહીં.
પોલીસે જે ત્રણ શખસોની ધરપકડ કરી છે, જેમાં દિવ્યેશ કસાલા, મોહિતભાઈ બામરોલિયા અને વિજય વઘાસિયાનો સમાવેશ થયા છે. આ ત્રણેય શખસોએ સાથે મળીને પોલીસ કમિશનરના PA પર હુમલો કર્યો હતો અને ત્યારબાદ ફરાર થઈ ગયા હતા.


