ભૂજ, 16 ફેબ્રુઆરી 2026: તાલુકાના ધ્રગ-લોડાઈ રોડ પર પૂરફાટ ઝડપે બે બાઈક સામસામે ટકરાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માતના બનાવની જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહને પીએમ અર્થે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી જાણવા મળી છે કે, , ભુજ તાલુકાના ધ્રગ ગામે લોકમેળો હોવાથી ધ્રગ-લોડાઈ રોડ પર વાહનોની ભારે અવરજવર જોવા મળી રહી છે. તેવામાં રોડ પર બે બાઈક વચ્ચે ભયંકર ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, બાઈકનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ બનાવમાં ત્રણ વ્યક્તિના મોત થયા હતા. અકસ્માતને લઈને સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ મોકલવામાં આવી હતી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત અકસ્માતનો બીજો બનાવ ભુજ–માંડવી રોડ પર બન્યો હતો. હાઈવે પર ગેબનશાહ પીરની દરગાહ નજીક પવનચક્કીનું હબ લઈ જતું ટ્રેલર અચાનક અસંતુલિત બનતા ભારે લોખંડનું ગોળ આકારનું હબ રોડની બાજુએ ખાબક્યું હતું. આ હબને ઉપાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની કે ઇજા નોંધાઈ નથી અને મોટો અકસ્માત ટળી ગયો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં 25 જાન્યુઆરીના આ જ વિસ્તારમાં પવનચક્કીનો પોલ લઈ જતાં ટ્રેઇલરનો બોલેરો પીક-અપ સાથે અસ્ક્માત સર્જાયો હતો. જેથી પોલ સાથે ટ્રેઇલર રોડની નીચે સરકી ગયો હતો. તે બનાવ બાદ ફરી એકવાર ટ્રેઇલર પરથી મસમોટું હબ નીચે ખાબકતા રોડ પર આવતા અન્બય વાહનોની સલામતી સામે સવાલ ઉભા થાય છે.


