વડોદરા, 28 જાન્યુઆરી 2026: દેશની પ્રતિષ્ઠિત ગણાતી વડોદરાની એમ એસ યુનિવર્સિટી અને કેમ્પસમાં હવે 1લી ફેબ્રુઆરીથી સુરક્ષા વ્યવસ્થા વધુ ટાઈટ કરીને ત્રિ-સ્તરિય વ્યવસ્થા ગોઠવવામાં આવશે. યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી શિક્ષણ કરતા વિવાદોને કારણે વધુ ચર્ચામાં છે. કેમ્પસમાં ક્યારેક વિદ્યાર્થી જૂથો વચ્ચે ખુલ્લેઆમ મારામારી તો ક્યારેક વિદ્યાર્થિનીઓ સાથે છેડતી સહિત ગંભીર ઘટનાઓ બનતી હોવાથી યુનિવર્સિટી સામે સવાલો ઉઠ્યા હતા. તેના લીધે સુરક્ષા વ્યવસ્થા કડક ગોઠવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સૂત્રોના કહેવા મુજબ એમ એસ યુનિવર્સિટી અને કેમ્પસમાં સુરક્ષા માટે એકસાથે ત્રણ-ત્રણ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તારીખ 1 ફેબ્રુઆરીથી આ નવો કોન્ટ્રાક્ટ અમલમાં આવશે. જે અંતર્ગત હવે કેમ્પસમાં 200 જેટલા સિક્યોરિટી જવાનો ખડેપગે તૈનાત રહેશે. માત્ર મેનપાવર જ નહીં, પરંતુ સ્ટ્રેટેજીમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. સિક્યુરિટી કોન્ટ્રાક્ટ હેઠળ યુનિવર્સિટી દર વર્ષે સિક્યોરિટી પાછળ 3 કરોડનો ખર્ચ કરશે. યુનિવર્સિટીમાં બિનજરૂરી અવરજવર રોકવા માટે એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ સીમિત કરી દેવામાં આવશે. એટલું જ નહીં, ટેકનોલોજીની મદદ લેવા માટે કેમ્પસમાં AI કેમેરા લગાવવા અંગે પણ સત્તાધીશો ગંભીરતાથી વિચારણા કરી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ સત્તાધીશોના આ નિર્ણયને આવકારી રહ્યા છે. તેમજ વિદ્યાર્થિનીઓની સુરક્ષા, છેડતીની ઘટનાઓ પર રોક અને કેમ્પસમાં સુરક્ષિત વાતાવરણ બનશે તે અંગેનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે.
સૂત્રોએ ઉમેર્યુ હતું કે, એમ એસ યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા સુરક્ષા વધારવાનો નિર્ણય ચોક્કસપણે આવકારદાયક છે. પણ 200 સિક્યોરિટી જવાનો અને 3 એજન્સીઓનો કાફલો કેમ્પસને કેટલું સુરક્ષિત બનાવી શકે છે તે તો આવનારો સમય જ બતાવશે. પરંતુ હાલ તો વિદ્યાર્થીઓ આશા રાખી રહ્યા છે કે આ માત્ર કાગળ પરનો નિર્ણય ન બની રહે અને ખરેખર કેમ્પસમાં ભયમુક્ત વાતાવરણનું નિર્માણ થાય તે અનિવાર્ય છે.


