
તિબેટીન આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ ફોદ્રાંગ ટ્રસ્ટને ઉત્તરાધિકારી પસંદ કરવાની જવાબદારી સોંપી
નવી દિલ્હીઃ તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાના ઉત્તરાધિકારીની આગામી દિવસોમાં પસંદગી કરવામાં આવશે. તેમની પસંદગી તિબેટીયન બૌદ્ધ પરંપરાઓ અનુસાર જ કરવામાં આવશે. એટલું જ નહીં દલાઈ લામાએ ગાડેન ફોદ્રાંગ ટ્રસ્ટને ઉત્તરાધિકારી પસંદ કરવાની જવાબદારી સોંપી છે.
તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામા ટૂંક સમયમાં 90 વર્ષના થશે. તેમની ઉંમરને કારણે, ઉત્તરાધિકારી વિશે ચર્ચા ફરી તેજ થઈ ગઈ છે. હાલમાં, 14મા દલાઈ લામા છે જે 15મા દલાઈ લામાને તેમના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરશે. દલાઈ લામાને પસંદ કરવાની આ પરંપરા લગભગ 600 વર્ષથી ચાલી રહી છે. 14મા દલાઈ લામા તેનઝિન ગ્યાત્સોએ તેમના ઉત્તરાધિકારી વિશે નિવેદન આપ્યું છે. એક અહેવાલ મુજબ, તેમણે સ્પષ્ટ કર્યું છે કે ઉત્તરાધિકારીની પસંદગી તિબેટીયન બૌદ્ધ પરંપરાઓ અનુસાર કરવામાં આવશે. આમાં ચીનની કોઈ ભૂમિકા રહેશે નહીં.
દલાઈ લામાએ ગાડેન ફોદ્રાંગ ટ્રસ્ટને ઉત્તરાધિકારી પસંદ કરવાની જવાબદારી સોંપી છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે દલાઈ લામા સંસ્થા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. તેમના સત્તાવાર નિવેદનમાં, તેમણે 2011 માં આપેલા વચનનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે 24 સપ્ટેમ્બર 2011 ના રોજ એક બેઠકમાં, આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો કે સંસ્થા આગળ ચાલુ રહે.