1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

વડનગરમાં ઉજવાશે રાજ્યકક્ષાનો 11મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

0
Social Share
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડનગરમાં સામૂહિક યોગ કાર્યક્રમમાં જોડાશે,
  • “યોગ ફોર વન અર્થ – વન હેલ્થ”ની થીમ સાથે યોગ દિવસની રાજ્યવ્યાપી ઉજવણી થશે,
  • યોગ દિવસે ભૂજંગાસન મુદ્રામાં વર્લ્ડ રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનું ગુજરાતનું લક્ષ્ય

ગાંધીનગરઃ 11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસની રાજ્ય કક્ષાની ઉજવણી 21મી જૂન 2025ને  શનિવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં કરવામાં આવશે. “યોગ ફોર વન  અર્થ-વન હેલ્થ”ની થીમ સાથે ઉજવાનારા આ 11મા આંતરરાષ્ટ્રીય યોગદિવસ સાથે સમગ્ર ગુજરાતમાં આ ઉજવણીમાં “સ્વસ્થ ગુજરાત- મેદસ્વીતા મુક્ત ગુજરાત”નો ધ્યેય પણ રાખવામાં આવ્યો છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના દિશા દર્શનમાં આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સમગ્ર રાજ્યવ્યાપી આયોજનને આખરી ઓપ આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ વડનગરના સર્મિષ્ઠા તળાવ ખાતે 21મી જુને સવારે 6:૦૦ કલાકથી યોજાનારા રાજ્ય કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જોડાશે. આરોગ્ય મંત્રી  ઋષિકેશભાઇ પટેલ તેમજ રમત-ગમત રાજ્ય મંત્રી  હર્ષ સંઘવી અને અન્ય અગ્રણીઓ પણ આ રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

ભારતની પ્રાચીન સ્વાસ્થ્ય અને શારીરિક સુખાકારી પરંપરા એવા યોગને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોથી વૈશ્વિક સ્વીકૃતિ મળી છે અને યુનાઈટેડ નેશન્સમાં 177 દેશોના સમર્થનથી વિશ્વભરમાં યોગદિવસની ઉજવણી 21મી જૂને કરવાનું સ્વીકારવામાં આવ્યું છે.

તદઅનુસાર, સમગ્ર વિશ્વમાં 2015થી 21મી જૂને સામુહિક યોગના કાર્યક્રમોથી આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે તે શ્રૃંખલામાં આ વર્ષે 11મો યોગદિવસ ઉજવાશે. વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદી આ 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસે યોગ સાધનામાં વિશાખાપટ્ટ્નમથી જોડાશે અને દેશવાસીઓને મેદસ્વિતા મુક્તિ સાથે યોગ દ્વારા સ્વાસ્થ્ય-તંદુરસ્તીની પ્રેરણા આપતો સંદેશ પણ આપશે.

તા. 21મી જૂન 11મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીના સ્થળ વડનગર સહિત વિવિધ સ્થળોએ વડાપ્રધાનના આ સંદેશના જીવંત પ્રસારણનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્ય ભરમાંથી અંદાજે 1 કરોડ 50 લાખથી વધુ નાગરિકોની સહભાગીતાથી યોગ દિવસ ઉજવવાનું લક્ષ્ય રાખવામાં આવેલું છે. યોગ દિવસ-2025ની ઉજવણીના કાઉન્ટડાઉન અન્વયે અત્યાર સુધીમાં જુનાગઢ, પોરબંદર, સુરત, વડોદરા અને અમદાવાદ ઉપરાંત જિલ્લા-તાલુકા કક્ષાએ અંદાજે 1 હજારથી વધુ વ્યક્તિઓની ક્ષમતાના 35થી વધુ કાર્યક્રમો કરવામાં આવ્યા છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code