- પેંડા ગેન્ગના 17 શખસો સામે હત્યા, બળાત્કાર, લૂંટ સહિત 71 ગુના નોંધાયેલા છે,
- રાજકોટમાં પેંડા અને મૂર્ગા ગેંગ વચ્ચે ફાયરિંગની ઘટના બાદ પોલીસે કરી કાર્યવાહી,
- પોલીસે પેંડા ગેન્ગના 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
રાજકોટઃ શહેરમાં પોલીસની કડકાઈ છતાંયે ગુનાઈત પ્રવૃતિમાં વધારો થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલા જ પેંડા અને મુર્ગા ગેન્ગ વચ્ચે માથાકૂટ થઈ હતી, અને ફાયરિંગ પણ કરાયું હતું. આ બનાવ બાદ પોલીસે બન્ને ગેન્ગના સાગરિતોને દબોચી લઈને જોહેરમાં ઘોલાઈ કરી હતી. પેંડા ગેન્ગના 17 સભ્યો સામે હત્યા સહિત 71 જેટલા ગંભીર ગુનાઓ નોધાયેલા છે. ત્યારે પોલીસે પેંડા ગેંગ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ શહેરમાં મંગળા રોડ પર તાજેતરમાં બે ગેન્ગ વચ્ચે માથાકૂટ થઈ હતી. અને ફાયરિંગ પણ કરાયુ હતુ. આ કેસમાં પોલીસે બે દિવસ પહેલા પકડાયેલા આરોપી રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહીત 17 આરોપીઓ સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં 71 ગુના નોંધાઈ ચુક્યા છે જેમાં હત્યા, હત્યાની કોશિશ, બળાત્કાર, આર્મ્સ એક્ટ, રાયોટીંગ સહીત ગુના નોંધાઈ ચુક્યા છે.
રાજકોટની કુખ્યાત પેંડા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડાના સાગરીત રાજપાલ ઉર્ફે રાજો જાડેજા સહિત 17 આરોપીઓ વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે જેમાં હાલ પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. જયારે બાકીના 11 આરોપીઓ જેલમાં બંધ હોવાથી તેમનો ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવ્યા બાદ ધરપકડ કરી રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ ઉપર છેલ્લા દશ વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, બળાત્કાર, આર્મ્સ એક્ટ, મારામારી સહીત કુલ 71 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
શહેર ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવાએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના મંગળા રોડ પર પેંડા ગેંગ અને મુર્ઘા ગેંગ વચ્ચે સામસામે થયેલ ફાયરિંગ કેસ બાદ પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અને એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા દ્વારા કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જે અંતર્ગત રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પેંડા ગેંગના 17 સભ્યો વિરુદ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજસીટોકની તપાસ એસીપી ક્રાઇમ ભરત બસિયા દ્વારા કરવામાં આવી રહી છે. હાલ આ ગુનામાં પોલીસે કુલ 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે. જયારે 11 આરોપીઓ જેલમાં બંધ હોવાથી ટ્રાન્સફર વોરંટથી કબ્જો મેળવી ધરપકડ કરવામાં આવશે અને અન્ય 2 આરોપી ફરાર હોય જેથી તેને ઝડપી પાડવા તપાસ તજવીજ ચાલુ છે.


