1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટ 2025-26નો શુભારંભ
ગાંધીનગરમાં અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટ 2025-26નો શુભારંભ

ગાંધીનગરમાં અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટ 2025-26નો શુભારંભ

0
Social Share
  • 22 ડિસેમ્બર સુધી યોજાનારી ટુર્નામેન્ટમાં કુલ 28 ટીમોના 266 ખેલાડીઓ સહભાગી થશે,
  • દરેક મેડલ માત્ર એક ખેલાડીની જીત નથી, પરંતુ વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક છેઃ M K દાસ,

ગાંધીનગરઃ રાજ્યના મુખ્ય સચિવ  એમ.કે.દાસે આજે ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય વહીવટી તંત્ર સચિવાલય વેલફેર કામિટી દ્વારા આયોજિત અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૫-૨૬નો શુભારંભ કરાવ્યો હતો. આ સ્પર્ધા જીમખાના સેકટર -૨૧ ખાતે તા.૧૬ થી ૨૨ ડિસેમ્બર ૨૦૨૫ દરમિયાન યોજાશે.

મુખ્ય સચિવ  એમ.કે.દાસે સૌ સિવિલ સર્વિસ સાથે જોડાયેલા ખેલાડીઓનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે, દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી આવેલા અધિકારીઓને એકત્ર કરતો આ રાષ્ટ્રીય રમતોત્સવ છે. જ્યાં આપણે વિભાગીય જવાબદારીઓથી મહદઅંશે દૂર રહીને રમત- ગમત ક્ષેત્રે, અન્ય રાજ્યના અધિકારીઓ સાથે મિત્રતા અને શારીરિક તંદુરસ્તીની ભાવનાથી જોડાઈએ છીએ.

મુખ્ય સચિવ  દાસે વધુમાં જણાવ્યું હતું કે,  નરેન્દ્ર મોદી જ્યારે દેશના વડાપ્રધાન બન્યા ત્યારે ‘ખેલો ઈન્ડિયા’ કાર્યક્રમ શરૂ કરવાની પ્રેરણા આપી હતી. ‘ખેલો ઈન્ડિયા’ પહેલ જમીનીસ્તરે યુવાનોને ખેલ પ્રત્યે પ્રોત્સાહન આપે છે, યુવાનોની ખેલ પ્રતિભાની ઓળખ કરે છે અને યુવા ખેલાડીઓને શ્રેષ્ઠતા પ્રાપ્ત કરવા માટે સહાય કરે છે. ખેલો ઇન્ડિયા જેવી અનેક પ્રતિયોગીતાના પરિણામે રમત – ગમત ક્ષેત્રે દેશના ખેલાડીઓ વૈશ્વિક મંચ પર ઓલિમ્પિક્સ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ સહિત દેશના વધતા મેડલ ટેલીમાં તેનો સ્પષ્ટ પ્રતિબિંબ આપણે સૌ જોઈ રહ્યા છીએ. દરેક મેડલ માત્ર એક ખેલાડીની જીત નથી, પરંતુ રમત-જગતમાં ભારતના વધતા આત્મવિશ્વાસ, પ્રતિબદ્ધતા અને વૈશ્વિક પ્રતિષ્ઠાનું પ્રતીક છે.

વધુમાં મુખ્ય સચિવએ ઉમેર્યું હતું કે, ગુજરાત ઝડપથી રમત અને જીવંત સંસ્કૃતિનું નિર્માણ કરી રહ્યું છે, જેથી તમામ ઉંમર અને વિસ્તારોના નાગરિકો માટે રમત-ગમત જીવનશૈલીનો એક અવિભાજ્ય ભાગ બની ગયો છે. ખેલાડીઓ માટે વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના દૃષ્ટિપૂર્ણ નેતૃત્વ અને પ્રગતિશીલ નીતિઓ હેઠળ, ગુજરાતે આંતરરાષ્ટ્રીય સ્તરના સ્ટેડિયમ તથા તાલીમ કેન્દ્રો બનાવ્યા છે. ગુજરાતમાં દર વર્ષે યોજાયેલ ખેલ મહાકુંભના પરિણામે ગુજરાતના બાળકોમાં શાળા કક્ષાએથી રમત ગમત ક્ષેત્રે રુચિ વધી છે. આ કાર્યક્રમે રાજ્યમાં રમત-ગમતને જનઆંદોલન બનાવ્યું છે.

આ પ્રસંગે અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનીસ ટુર્નામેન્ટના કન્વીનર  રાહુલે જણાવ્યું હતું કે, આ રાષ્ટ્રીય કાર્યક્રમનું યજમાનપદ સ્વીકારવા અને શ્રેષ્ઠ વ્યવસ્થા કરવા બદલ હું રાજ્ય સરકારનો આભાર માનું છું. આ વર્ષની ટુર્નામેન્ટ ખાસ મહત્વની છે કારણ કે અમે પ્રથમ વખત મહિલા ટીમ ચેમ્પિયનશિપનો પ્રારંભ કર્યો છે. આ મહત્વપૂર્ણ પગલું રમતગમતમાં સર્વસમાવેશકતા, સમાનતા અને સમાન તકો પ્રત્યેની અમારી સામૂહિક પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પહેલ વધુને વધુ મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહિત કરશે અને સિવિલ સર્વિસીસમાં મહિલા માટે રમત-ગમત ક્ષેત્રે મજબૂત પાયો નખાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અખિલ ભારતીય મુલ્કી સેવા લોન ટેનિસ ટુર્નામેન્ટ ૨૦૨૫-૨૬માં જુદા –જુદા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો મળીને કુલ ૨૮ ટીમો જેમાં ૧૮૭ પુરુષ અને ૭૯ મહિલા ખેલાડીઓ મળીને કુલ ૨૬૬ ખેલાડીઓ સહભાગી થયા છે.

 

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code