1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદથી અમૃત ભારત નોન AC સેમી હાઈસ્પીડ ટ્રેન દિવાળી સુધીમાં શરૂ કરાશે
અમદાવાદથી અમૃત ભારત નોન AC સેમી હાઈસ્પીડ ટ્રેન દિવાળી સુધીમાં શરૂ કરાશે

અમદાવાદથી અમૃત ભારત નોન AC સેમી હાઈસ્પીડ ટ્રેન દિવાળી સુધીમાં શરૂ કરાશે

0
Social Share
  • હાઈસ્પીડ ટ્રેનનું ભાડુ અન્ય ટ્રેનના જનરલ કોચ જેટલું જ હોઈ શકે છે,
  • અમદાવાદથી વારાણસી વચ્ચે અમૃત ભારત ટ્રેનનું સંચાલન શરૂ કરાય તેવી શક્યતા,
  • અમૃત ભારત ટ્રેન પ્રતિ કલાક 120થી 130 કિમીની ઝડપે દોડશે

અમદાવાદઃ ગુજરાતને દિવાળી સુધીમાં નોન એસી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનની ભેટ મળશે, જેમાં અમદાવાદથી અમૃત ભારત નોન એસી હાઈસ્પીડ ટ્રેન શરૂ કરાશે. અમદાવાદથી વારાણસી વચ્ચે અમૃત ભારત ટ્રેનનું સંચાલન શરૂ કરાય તેવી શક્યતા છે.  હાલ ટ્રાયલ રન માટે એક અમૃત ભારત એક્સપ્રેસ અમદાવાદમાં આવી છે. આરડીએસઓના અધિકારીઓ દ્વારા તેની ટ્રાયલ ચાલી રહી છે. જેમાં સ્પીડ, લોડ ટેસ્ટની સાથે ટ્રેનમાં પહેલીવાર લગાવેલી ઈપી બ્રેક સિસ્ટમની ટ્રાયલ ચાલી રહી છે.

સૂત્રોના કહેવા મુજબ દિવાળી ભેટ તરીકે અમદાવાદથી વારાણસી વચ્ચે અમૃત ભારત ટ્રેનનું સંચાલન શરૂ કરાય તેવી શક્યતા છે. જો કે આ ટ્રેન ક્યાં સુધી દોડાવવી તેનું અંતિમ નિર્ણય રેલવે બોર્ડ દ્વારા આગામી દિવસોમાં જાહેર કરાશે. સામાન્ય રીતે અન્ય ટ્રેનો અમદાવાદથી વારાણસી 28થી 30 કલાકમાં પહોંચે છે ત્યારે આ ટ્રેન સરેરાશ 120થી 130 કિમીની ઝડપે દોડી 22થી 24 કલાકમાં વારાણસી પહોંચાડશે. અમૃત ભારત એક્સપ્રેસ 20 એલએચબી કોચ અને ટ્રેનની બન્ને બાજુએ એન્જિન ધરાવતી ટ્રેન છે. જેથી આ ટ્રેનમાં એન્જિન બદલ્યા વગર બન્ને દિશામાં મહત્તમ 160થી 180 કિલોમીટરની ઝડપે દોડાવી શકાશે. ટ્રેનનું ભાડું અન્ય ટ્રેનના જનરલ કોચ જેટલું જ રાખવામાં આવી શકે છે. આ ટ્રેનમાં ઈપી બ્રેક લગાવવામાં આવી છે. એર બ્રેકમાં ટ્રેન રોકાવામાં જે સમય લાગે છે તે આ ઈપી બ્રેકમાં નથી લાગતો. તમામ કોચમાં એક સાથે બ્રેક લાગતા ઓછા અંતરમાં જ ટ્રેન રોકાઈ જાય છે અને ઝટકો લાગતો નથી.

અમૃત ભારત નોન એસી હાઈસ્પીડ ટ્રેનમાં પેસેન્જરો માટે મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, આરામદાયક સીટો, રેડિયમ ફ્લોર સ્ટ્રિપ્સ, સેફ્ટી માટે ફાયર ડિટેક્શન સિસ્ટમ તથા ઈમરજન્સીમાં વાત કરવા માટે ટોક-બેક યુનિટ અને પેસેન્જર ઈન્ફર્મેશન સિસ્ટમ જેવી સુવિધા હશે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code