 
                                    - ભાવનગરના પ્રવાસીઓ મહાકુંભની યાત્રાએ ગયા હતા
- બરેલી નજીક ખાનગી બસ ટ્રેકટર ટ્રોલી સાથે અથડાઈ
- અકસ્માતમાં ત્રણ યુવાનોને ગંભીર ઈજા
ભાવનગરઃ શહેરમાંથી શ્રદ્ધાળુઓ ખાનગી લકઝરી બસમાં મહાકુંભ તેમજ ઉત્તરપ્રદેશના પ્રવાસે ગયા હતા. જ્યાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભાવનગરથી રાજધાની નામની ટ્રાવેલ્સ બસમાં શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભમાં ગયા હતા. જ્યાં લખનઉ-દિલ્હી હાઇવે પર બરેલી નજીક અકસ્માત થયો હતો. આ ઘટનામાં બે વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે 3 લોકોને ઈજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડાયા છે.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ભાવનગરના શ્રદ્ધાળુઓ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ ખાતે યોજાયેલા મહાકુભમાં ગયા હતા. અને ત્યાથી વિવિધ સ્થળોએ ધાર્મિક પ્રવાસ કરીને પરત ફરતા હતા. ત્યારે બરેલી નજીક લકઝરી બસ ટ્રેકટર ટ્રોલી સાથે અથડાતા બસમાં પ્રવાસ કરી રહેલા બેના મોત નિપજ્યા હતા. જ્યારે ત્રણ પ્રવાસીઓ ગંભીરરીતે ઘવાયા હતા. અકસ્માતના આ બનાવમાં ભાવનગરના આશીષ ગોહિલ, યજ્ઞેશ બારૈયા નામના વ્યક્તિના મોત નીપજ્યા હતા. જ્યારે હિતેશ આહિર નામના યુવાનની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે અને અન્ય એક યુવકની સ્થિતિ ખૂબજ નાજુક હોવાથી વેન્ટીલેટર ઉપર છે. અકસ્માતની જાણ થતાની સાથે એમ્બ્યુલન્સ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ અકસ્માતના બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ડબલ ડેકર બસ ભાઉજીપુરાના બિલ્બા પુલ પર પહોંચી હતી, ત્યારે બસના ડ્રાઇવરે બસ પરથી કાબુ ગુમાવ્યો અને બસ ટ્રેક્ટરની ટ્રોલી સાથે અથડાઈ હતી. જેના કારણે મુસાફરો ગભરાટમાં આવી ગયા હતા. જ્યારે અકસ્માતની ઘટના મામલે સી.એમ.ઓ. ઓફિસમાં વાતચીત કરીને ભાવનગરના મૃતક યુવાનોને તાત્કાલિક ગુજરાત લાવવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને ઇજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળી રહે તે માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. મૃતક યુવાનો બંને ભાજપના કાર્યકર્તા હોવાનું જાણવા મળી રહ્યું છે. બનાવની જાણ થતા જ શહેર ભાજપના યુવા મોર્ચાના મહામંત્રી કિશન મહેતા સહિતના અગ્રણીઓએ મૃતકના પરિવારજનોને સાંત્વના આપવા પહોંચ્યા હોવાનું જાણવા મળ્યું છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

