- વડોદરા શહેરમાં રાત્રે દારૂ પીને વાહન ચલાવવાનું દૂષણ વધ્યુ,
- ચાર વાહનોને અડફેટે લીધા બાદ ઈનોવા કાર ડિવાઈડર સાથે અથડાઈ,
- ગોરવા પોલીસે ચાલક સામે બે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી,
વડોદરાઃ ગુજરાતમાં નશાબાજ બાહનચાલકોને લીધે રોડ અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં નટુભાઈ સર્કલથી રેસકોર્સ તરફ જતા રોડ પર ઇનોવાચાલકે નશાની હાલતમાં એકસાથે ચાર વાહનને અડફેટે લીધાં હતાં. અકસ્માત સર્જી કારચાલક ભાગવા જતાં ગાડી ડિવાઈડર સાથે ધડાકાભેર ટકરાઈ હતી. આ બનાવથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. અને નશેડીચાલકને લોકોએ બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આ મામલે ગોરવા પોલીસે ચાલક સામે બે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરમાં નવા વર્ષના બીજા જ દિવસે વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. એક દિવસ પહેલાં પણ વડોદરામાં એક નશેડી કારચાલકે ફૂટપાથ પર સૂતેલા શ્રમજીવીઓ પર કાર હંકારી મુકી હતી, જેમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જ્યારે એક 4 વર્ષના નાના બાળકનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે નશાની હાલતમાં ઈનોવા કારચાલકે ચાર વાહનોને અડફેટે લીઘા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ વડોદરાના સુભાનપુરામાં રહેતા લક્કી ભરતભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ મિત્રો સાથે વહાણવટી માતાના મંદિર પાસે બેઠા હતા અને તેમનું બાઈક મંદિર પાસે પાર્ક કર્યું હતું. આ દરમિયાન હરિનગર તરફથી એક ઇનોવા કારચાલકે પૂરપાટ ઝડપે હંકારી લાવી બાઈકને અડફેટે લીધું હતું, સાથે અન્ય એક એક્ટિવાને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ અકસ્માત સર્જનાર ચાલકનો પીછો કર્યો, પરંતુ તે ભાગી ગયો હતો. દરમિયાન આગળ જતાં ઇનોવાએ આઇનોક્સ મોલ પાસે કુણાલભાઈ માલવિયાની સ્વિફ્ટ કાર, શાક માર્કેટ પાસે પાર્ક કરેલી કૃતાર્થ સિવતની ફોર-વ્હીલ ગાડીઓને ટક્કર મારી હતી અને અંતે ઇનોવા ડિવાઇડર સાથે અથડાઈ હતી. દરમિયાન લોકોનાં ટોળેટોળાં ઊમટી પડ્યાં હતાં. જ્યાં ઈનોવાનોચાલક બહાર નીકળે અને પોલીસ પહોંચે એ પહેલાં લોકોએ કારચાલકને ઝડપી બરાબરનો મેથીપાક આપ્યો હતો.
આ મામલે ગોરવા પોલીસે અકસ્માત સર્જનાર ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી કરી છે, સાથે નશાની હાલતમાં હોવાથી ચાલક હર્ષ રમેશચંદ્ર કશ્યપ (ઉં.વ.24 ધંધો, ડ્રાઇવિંગ રહે. મ.નં.10 પિત્રકૃપા સોસાયટી ઇલોરાપાર્ક સુભાનપુરા વડોદરા)ને ઝડપી ઇનોવા કબજે લઈ બે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.


