1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગર શહેર અને જિલ્લામાં સ્કૂલવાનના ચાલકોએ વિદ્યાર્થી દીઠ ભાડામાં કર્યો વધારો
ગાંધીનગર શહેર અને જિલ્લામાં સ્કૂલવાનના ચાલકોએ વિદ્યાર્થી દીઠ ભાડામાં કર્યો વધારો

ગાંધીનગર શહેર અને જિલ્લામાં સ્કૂલવાનના ચાલકોએ વિદ્યાર્થી દીઠ ભાડામાં કર્યો વધારો

0
Social Share
  • દરેક વિદ્યાર્થીદીઠ રૂપિયા 100નો વધારો કર્યો, સ્કૂલ સ્ટેશનરી,
  • નોટ્સબુકોના ભાવમાં વધારા બાદ સ્કૂલવાન ચાલકોએ ભાવ વધાર્યા,
  • અસહ્ય મોંઘવારીમાં વાલીઓની હાલત કફોડી

ગાંધીનગરઃ 9મી જુને નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભ સાથે સ્ટેશનરી, નોટબુક્સ અને પુસ્તકોના ભાવમાં વધારા બાદ હવે ગાંધીનગર શહેર અને જિલ્લામાં સ્કૂલવાનચાલકોએ પણ વિદ્યાર્થીદીઠ રૂપિયા 100નો વધારો કર્યો છે. સ્કુલવાન ચાલકો દ્વારા વિદ્યાર્થી કેટલા અંતરે રહે છે તેના આધારે ભાડુ નક્કી કરવામાં આવે છે. તેમાં ઓછામાં ઓછું વિદ્યાર્થી દીઠ માસિક ભાડું રૂપિયા 900 અને વધુમાં રૂપિયા 2000 સ્કુલવાન ચાલકો દ્વારા હાલમાં લેવામાં આવે છે. સ્કુલવાન ચાલકોની રવિવારે મળેલી બેઠકમાં સર્વાનુમતે ભાડામાં વધારાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થતાં જ સુષુપ્ત થયેલું જનજીવન ધબકતું થઇ ગયું છે. નવા શૈક્ષણિક વર્ષના પ્રારંભની સાથે પોતાના સંતાનો માટે પાઠ્ય પુસ્તકો, યુનિફોર્મ, સ્કુલબેગ, વોટરબેગ, લંચબોક્સ, સ્કુલ શુઝ અને મોજા સહિતની શૈક્ષણિક સ્ટેશનરીની ખરીદી શરૂ કરી દીધી છે. ગત વર્ષ કરતા ચાલુ વર્ષે શૈક્ષણિક તમામ વસ્તુઓના ભાવમાં 20થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ભાવ વધારાથી સ્કુલવાનના ભાડું પણ બાકાત નહી રહેતા બાળક દીઠ માસિક ભાડામાં રૂપિયા 100નો વધારો કરવામાં આવ્યો છે. આથી વધતી જતી મોંઘવારીના માર વચ્ચે વાલીઓના ખિસ્સા ઉપર વધુ આર્થિક ફટકો પડ્યો છે.

ગાંધીનગર શહેર અને જિલ્લામાં સ્કુલવાન ચાલકોએ ભાડામાં કરાયેલા વધારા અંગે સ્કુલ વ્હિકલ ચેરીટેબલ એસોશીએશન, ગાંધીનગરના સૂત્રોએ જણાવ્યું છે કે સ્કુલવાન ચાલકોની જનરલ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ટ્રાફિક અને આરટીઓના નિયમોનું પાલન કરીને સ્કુલવાન ચલાવવા અપીલ કરવામાં આવી હતી. ઉપરાંત ચાલુ શૈક્ષણિક વર્ષમાં ભાડામાં વધારાના મુદ્દાની પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમાં સર્વાનુમતે વિદ્યાર્થી દીઠ માસિક ભાડામાં રૂપિયા 100નો વધારો કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. સ્કુલવાન ચાલકો દ્વારા વિદ્યાર્થી દીઠ ભાડામાં કરાયેલા વધારાની સાથે સાથે બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને વાહન હંકારવાનું રહેશે. આરટીઓ અને ટ્રાફિક દ્વારા સ્કુલવાન માટેના નિયત કરેલા નિયમોનું ચુસ્ત પાલન કરવાની સુચના આપવામાં આવી હતી.

સ્કુલવાન ચાલકો દ્વારા બાળક દીઠ ભાડામાં રૂપિયા 100નો વધારો કરવામાં આવ્યો છે. જોકે સ્કુલવાન ચાલકો દ્વારા બાળકના ઘર અને શાળાનું અંતર કેટલું છે તેના આધારે ભાડુ નક્કી કરવામાં આવે છે. આથી હાલમાં સ્કુલવાન ચાલકો એક બાળક દીઠ ઓછામાં ઓછું માસિક ભાડુ રૂપિયા 900 અને વધુમાં વધુ માસિક ભાડું 2000 લેવામાં આવી રહ્યું છે. તેમાં રૂપિયા 100નો વધારો થતાં ઓછામાં ઓછું ભાડું રૂપિયા 1000 અને વધારેમાં વધારે ભાડું રૂપિયા 2100 થશે. સ્કૂલવાન ચાલકોના કહેવા મુજબ ગાડીના સ્પેરપાર્ટ્સ અને મેન્ટેનન્સના ભાવમાં વધારો થયો હોવાથી ભાડામાં વધારો કરવાની ફરજ પડી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code