- ચાર એજન્સીઓ દ્વારા બ્રિજના ટેસ્ટિંગની કામગીરી ચાલી રહી છે,
- બ્રિજના તમામ પિસર અને તમામ સ્પાનના ઇન્ટિગ્રિટી ટેસ્ટ કરાશે,
- તમામ ટેસ્ટ પૂર્ણ થઈ ગયા બાદ બ્રિજ અંગેનો નિર્ણય લેવાશે
અમદાવાદઃ શહેરના સુભાષબ્રિજમાં તિરાડ અને સ્પાનનો ભાગ બેસી જતા કેટલાક દિવસથી સુભાષબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. અને મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બ્રિજના ઈન્સ્પેક્શન માટે જુદી જુદી ચાર એજન્સીઓને કામ સોંપવામાં આવ્યું છે. હાલ બ્રિજ નિર્માણ અને કન્સલ્ટન્ટ એજન્સીઓએ સુભાષબ્રિજના ટેસ્ટિંગની કામગીરી શરૂ કરી છે. અલગ અલગ ચાર એજન્સી અને કન્સલ્ટન્ટ દ્વારા બ્રિજના રિપોર્ટ કરવામાં આવી રહ્યા છે. આગામી 15 ડિસેમ્બર સુધી બ્રિજના ટેસ્ટની કામગીરી ચાલવાની હોવાના 15મી ડિસેમ્બર સુધી વાહન વ્યવહાર માટે બ્રિંજ સંપૂર્ણ બંધ રહેશે. ત્યારબાદ ચારેય એજન્સીઓનો રિપોર્ટ આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવશે.
અમદાવાદમાં શાહીબાગ અને જુના વાડજને જોડતો સાબરમતી નદી પરનો સુભાષબ્રિજ પર તિરાડો પડતા અને સ્પાનનો ભાગ બેસી જવાથી વાહન વ્યવહાર માટે બ્રિજ સંપૂર્ણ બંધ કરી દેવામાં આવ્યો છે. સુભાષબ્રિજ પર પડેલી તિરાડ અને ભાગ બેસી જવા મામલે બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અલગ અલગ ચાર એજન્સી પાસે આખા સુભાષબ્રિજના ટેસ્ટિંગની કામગીરી કરાવવામાં આવી રહી છે. આજે વડોદરાની જીઓ ડાયનેમિક્સ નામની કંપની દ્વારા સુભાષબ્રિજની તપાસ કરવામાં આવી હતી. બ્રિજના તમામ પિલર અને તમામ સ્પાનના ઇન્ટિગ્રિટી ટેસ્ટ કરવામાં આવશે. તમામ પાસાં પર તપાસ કરીને બે દિવસ બાદ બ્રિજનો રિપોર્ટ આપવામાં આવશે.
સુભાષબ્રિજના ઇન્સ્પેક્શન અને ટેસ્ટ માટે આવતીકાલે 9 ડિસેમ્બરના રોજ અન્ય એક એજન્સી આવશે. જ્યારે બે દિવસ બાદ IIT મુંબઈ અને IIT રૂડકીની ટીમ પણ બ્રિજના ઇન્ફેક્શન અને ટેસ્ટ માટે આવશે, જેથી આખા અઠવાડિયા દરમિયાન સુભાષબ્રિજના ટેસ્ટ અને ઇન્સ્પેક્શનની કામગીરી ચાલશે. આવતા સોમવારે સાંજ સુધીમાં તમામ ટેસ્ટ પૂર્ણ થઈ ગયા બાદ બ્રિજ અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનનાં સૂત્રોના જણાવ્યા મુજબ, એક અઠવાડિયા સુધી બ્રિજના ઇન્સ્પેક્શન અને ટેસ્ટની કામગીરી અલગ અલગ એજન્સીઓ દ્વારા કરવામાં આવશે. એ તમામ એજન્સીઓનાં સૂચનો અને રિપોર્ટના આધારે રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે.


